Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

કોરોના રીટર્નસ ? વાયરસે અચાનક 'ચોકો' મારતા ડર ફેલાયોઃ અન્ય સ્થળે લોકડાઉન

દેશમાં ર૪ જાન્યુ.બાદ ગઇકાલે નોંધાયા સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક : કોરોનાએ માથું ઉંચકતા મહારાષ્ટ્રમાં આકરા નિયંત્રણો શરૃઃ રાકેશ ટિકૈતની ખેડુત મહાપંચાયતને પણ મંજુરી નહિઃ લગ્ન સમારંભમાં પ૦ થી વધુ વ્યકિતઓ પર પ્રતિબંધઃ પ્રવેશ પહેલા RTPCR જરૂરી

નવી દિલ્હી તા. ૧૯ : અંદાજે ત્રણ મહીના બાદ, દેશમાં સાત દિવસના આધારે દૈનિક કેસના આધારે સતત ચોથા દિવસે કેસમાં વધારો નોંધાયો છે. મહારાષ્ટ્રમાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે. રવિવારે સાત દિવસના આધારે ૧૧,૪૩૦ કેસ નોંધાયા હતા. જે ગુરૂવારે વધીને ૧૧,૮રપ થયું છે ભલે તે ઉછાળો વધુ નથી પરંતુ ઓછા કેસ નોંધાવાની આશા પુરી થઇ ગઇ છે.

આજે જાહેર થયેલા આંકડા મુજબ, છેલ્લા ર૪ કલાકમાં ૧૩,૧૯૩ નવા કેસ નોંધાયા છે જે છેલ્લા રપ દિવસમાં સૌથી વધુ છે. ૩૦ જાન્યુઆરી બાદ પ્રથમવાર એવુ બન્યુ છે જયા નવા કેસની સંખ્યા ૧૩ હજારથી ઉપર નોંધાયા છે મહારાષ્ટ્રની સ્થિતિ વધુ ચિંતાજનક છે અને કેરળની સ્થિતિ પણ બેહાલ છે.

 મહારાષ્ટ્રમાં કોરોના મહામારીએ ફરી એકવાર માથું ઊંચકતા રાજ્ય સરકારે આકરા નિયંત્રણો લાદવાનો પ્રારંભ કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે  જાહેરાત કરી હતી કે, કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં લેતાં અમરાવતી અને અકોલા જિલ્લામાં શનિવાર રાતના ૮થી સોમવાર સવારના ૭ કલાક સુધી ૩૫ કલાકનું લોકડાઉન અમલમાં રહેશે. અમરાવતીના જિલ્લા કલેકટર શૈલેષ નવલે જણાવ્યું હતું કે, કોરોનાના વધી રહેલા કેસના કારણે જિલ્લામાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.

બીજી બાજુ યવતમાલના જિલ્લા તંત્રે આકરા પ્રતિબંધો લાદવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં ૨૦મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી રાકેશ ટિકૈતની ખેડૂત મહાપંચાયતને પરવાનગી અપાશે નહીં. બંને જિલ્લામાં લોકડાઉનના સમય દરમિયાન આવશ્યક સેવાઓને બાદ કરતાં બધું બંધ રહેશે.

યવતમાલ, અમરાવતી અને અકોલામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. યવતમાલ, પંઢરકવડા અને પુસદમાં દરરોજ કોરોના સંક્રમણના ૫૦૦થી વધુ કેસ આવી રહ્યાં છે. અકોલામાં કોરોનાના કેસ વધતાં વિવિધ નિયંત્રણ લાદવામાં આવ્યાં છે. હવે લગ્ન સમારોહમાં ૫૦થી વધુ વ્યકિતના એકઠા થવા પર પ્રતિબંધ મુકાયો છે. લગ્ન સમારોહ રાતના ૧૦ વાગ્યે આટોપી લેવાના આદેશ અપાયા છે.

હોટલ અને રેસ્ટોરન્ટમાં માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ ફરજિયાત બનાવાયો છે.

અકોલા જિલ્લામાં ધોરણ પાંચથી ૯ની શાળાઓ અને કોલેજો બંધ કરી દેવાઈ છે. અકોલા શહેર અને જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં એક સાથે પાંચ લોકોના પ્રવાસ પર પ્રતિબંધ લદાયો છે. જિલ્લામાં કોઈપણ પ્રકારના સમારોહમાં ફકત ૫૦ લોકો હાજર રહી શકશે.

પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશને કેરળથી શહેરમાં આવતા તમામ લોકો માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કર્યો છે.  એકલા મુંબઇ શહેરમાં સંક્રમણના નવા ૭૨૧ કેસ નોંધાયા હતાં.

કેરળમાં પણ કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીં છેલ્લા ૨૪ કલાકમાં ૪,૮૯૨ નવા કેસ નોંધાયા હતા અને ૧૬ દર્દીનાં મોત થયાં હતાં.

(11:27 am IST)