Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

પ.બંગાળમાં કેન્દ્રીય મંત્રી શાહનો પ્રવાસ : જયશ્રી રામનો નારો અમારી યાત્રાનું પ્રતિક

અમારી સરકાર બની તો મમતા રાજના ભ્રષ્ટાચારની તપાસ કરાવીશું : અમિતભાઇ

હિન્દુ શરણાર્થીને ત્યાં ભોજન લીધુ : ટીએમસીના રાજમાં રાજકીય હિંસાને પ્રોત્સાહન અપાય રહ્યાનું જણાવ્યું

કોલકતા તા. ૧૯ : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી થવાને હવે થોડો સમય બચ્યો છે અને રાજયનું રાજકારણ ગરમાઇ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ પશ્યિમ બંગાળમાં છે. શાહે દક્ષિણ પરગનામાં ભાજપની પરિવર્તન યાત્રાને લીલી ઝંડી બતાવી. અમિતભાઈએ નામખાનામાં ચૂંટણી સભાને સંબોધિત કરી અને કહ્યું કે, ભાજપની સરકાર બનતા તમામ માછીમારોને ૬૦૦૦ રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. શાહે ટીએમસી પર પ્રહાર કરતા કહ્યું કે, ટીએમસીના ગુંડાઓએ ભાજપના ૧૩૦ કાર્યકર્તાઓને મારી નાખ્યા છે. મહત્વનું છે કે, બંગાળમાં ગૃહમંત્રી શાહે સભા સંબોધ્યા બાદ હિન્દુ શરણાર્થીને ત્યાં ભોજન લીધું હતું.

અમિતભાઈ શાહે કહ્યું કે, અમ્ફાન વાવાઝોડા બાદ કેન્દ્ર સરકારે જે પૈસા મોકલ્યા, તેને TMCના ગુંડા ખાઇ ગયા. અમારી સરકાર બનશે તો આની અમે તપાસ કરીશું. મમતા સરકાર માત્ર ભત્રીજા વધારો અભિયાન ચલાવી રહી છે અને સામાન્ય લોકો પર ધ્યાન નથી દેવામાં આવી રહ્યું. ચૂંટણીમાં અમારા ૧૩૦ કાર્યકર્તા માર્યા ગયા છે, ભાજપની સરકાર આવશે તો પાતાળમાંથી શોધીને તેને સજા આપીશું. ટીએમસીના રાજમાં રાજકીય હિંસાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

અમિતભાઈ શાહે કહ્યું કે, ભાજપની સરકાર બનવા પર માછીમારોને દર વર્ષે ૬૦૦૦ રૂપિયા આપવામાં આવશે, જેવી રીતે ખેડૂતોને સન્માન નિધિ મળે છે. શાહે કહ્યું કે, બંગાળના ઉત્ત્।રાયણ મેળાને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપીશું.

બંગાળના નામખાનામાં ગૃહમંત્રીએ કહ્યું કે, અમે બંગાળમાં તુષ્ટિકરણ ખતમ કરીશું જેથી લોકો સરસ્વતી પૂજા-રામનવમી મનાવી શકશે. બંગાળની પરિસ્થિતિ ખરાબ કરી દેવામાં આવી છે, અહીં ભાજપની સરકાર બનશે તો કેન્દ્રની મોદી સરકાર સાથે ડબલ એન્જિન સરકાર આગળ વધશે. અમારી સરકાર આવવા પર સરકારી કર્મચારીને સાતમુ પગાર પંચ આપવાનું કામ કરીશું.

રેલીમાં શાહે કહ્યું કે, ટીએમસી સરકારે બંગાળમાં ઘુસણખોરોને જગ્યા આપી, અમારી સરકાર એક-એક ઘુષણખોરોને બહાર કાઢી નાખશે. બંગાળમાં દુર્ગા પૂજા કરવા માટે આજે કોર્ટમાં પરમિશન લેવી પડે છે. ભાજપના દબાણ બાદ મમતા બેનર્જી પણ સરસ્વતી પૂજન કરી રહી છે, મને આનાથી બહુ જ ખુશી થઇ.

તેમણે વાયદો કર્યો કે પશ્યિમ બંગાળમાં મહિલાઓને ૩૩ ટકાથી વધુ અનામત મળશે. તમે કમ્યુનિસ્ટોને પણ મોકો આપ્યો, તૃણમૂલને પણ મોકો આપ્યો. બસ એક વખત ભાજપને મોકો આપી જુઓ. માત્ર ૫ વર્ષમાં બંગાળને બદલીને રાખી દઇશું.

શાહે કહ્યું કે, જય શ્રી રામનો નારો લાગે છે, તો દીદી બોલે છે કે તેમનું અપમાન કરે છે. ટીએમસીને ઘેરતા અમિતભાઈએ રેલીમાં જય શ્રી રામના નારા પણ લગાવ્યા. શાહે કહ્યું કે, આ નારા અમારી યાત્રાનું પ્રતિક છે.

(11:28 am IST)