Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

નેશનલ ઇન્ફર્મેશન સેન્ટરે જાહેર કર્યું એલર્ટ

ભારતીય અધિકારીઓ પર સાયબર હુમલો : સરકારી આઇડીના ઉપયોગથી હેકર્સે ફસાવ્યા

નવી દિલ્હી તા. ૧૯ : હેકર્સે સંરક્ષણ વિભાગના અધિકારીઓને નિશાન બનાવ્યા હોવાનો દાવો થયો હતો. સરકારી દેખાતા આઈડીનો ઉપયોગ કરીને ઉચ્ચ અધિકારીઓને મેઈલ મોકલાયો હતો અને એમાં અટેચ કરેલી ફાઈલમાં કિલક કરવાનું કહેવાયું હતું. નેશનલ ઈન્ફર્મેશન સેન્ટરે એલર્ટ જારી કર્યો હતો.

કેન્દ્ર સરકારના સંખ્યાબંધ ઉચ્ચ અધિકારીઓને હેકર્સે નિશાન બનાવ્યા હોવાનો દાવો મીડિયા અહેવાલોમાં થયો હતો. ધ નેશનલ ઈન્ફર્મેશન સેન્ટરે તુરંત સરકારી કચેરીઓને એલર્ટ રહેવાની સૂચના આપી હતી. અહેવાલો પ્રમાણે સરકારી દેખાતા મેઈલ આઈડીનો ઉપયોગ કરીને ઉચ્ચ અધિકારીઓને, ખાસ તો સંરક્ષણ વિભાગના અધિકારીઓને મેઈલ મોકલાયો હતો. સરકારી કચેરીઓમાં વપરાતા ડોમેન ગવર્નમેન્ટ ડોટ ઈન અને એનઆઈસી ડોટ ઈન જેવા આઈડીમાંથી સંરક્ષણ વિભાગના અધિકારીઓને મેઈલ મોકલાયો હતો.

એ મેઈલમાં એક ફોલ્ડર અટેચ કરાયું હતું. એના પર કિલક કરવાનું કહેવાયું હતું. એના પર કિલક કરવાથી તુરંત જ એ ડિવાઈસનો ડેટા લીક થઈ શકે છે. આ ફિશિંગ એટેક બાબતે એનએફસીએ એલર્ટ જારી કરીને સાવધાન રહેવાની સૂચના આપી હતી.

અધિકારીઓને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો થયો એ પ્રમાણે જે કમ્પ્યુટર્સને નિશાન બનાવાયા હતા એમાંથી સંવેદનશીલ માહિતી લિક થઈ નથી. કેટલા કમ્પ્યુટર્સ અને કેટલા અધિકારીઓને નિશાન બનાવાયા હતા અને એ સાઈબર એટેક પાછળ કોણ જવાબદાર હતું, તે અંગે સ્પષ્ટતા થઈ ન હતી. અગાઉ પણ ભારતીય ઉચ્ચ અધિકારીઓને નિશાન બનાવીને આ રીતે ફિશિંગ એટેક થઈ ચૂકયા છે. નિષ્ણાતોના મતે આવા હુમલાથી બચવા માટે સરકારી કચેરીઓમાં વધારે સુરક્ષિત ઓથેન્ટિક પ્રોટોકોલ સિસ્ટમ અપનાવવાની ખાસ જરૂર છે.

(11:28 am IST)