Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

મહારાષ્‍ટ્રના ધુલિયાના મુળ વતની અને નવસારી સ્‍થાયી થયેલા પાટીલ પરિવારના 2 પુત્રોના 2 વર્ષમાં મોતઃ માતા-પિતા ઉપર વ્રજઘાતઃ પરત મહારાષ્‍ટ્ર રહેવા જતા રહ્યા

નવસારી: દરેક પરિવારનો સહારો તેમના સંતાનો હોય છે. મોટા થઈને સંતાનો માતાપિતાની લાકડી બને છે. તેમની જવાબદારી ઉઠાવે છે. નવસારીમાં રહેતા પાટીલ પરિવાર પર એવી મુસીબત આવી કે, બે વર્ષમાં તેમને પોતાના બંને સંતાનો ગુમાવવા પડ્યા. 17 વર્ષના અને 22 વર્ષના પુત્રોને ગુમાવ્યા બાદ માતાપિતા નિરાધાર બન્યા છે. બીજા પુત્રના નિધનથી પાટીલ દંપતી ચૌધાર આસુંએ રડી પડ્યું હતું. જુવાનજોધ દીકરાઓનું મોત સહન ન કરી શકનારા માતાપિતા સાથે કુદરતે ક્રુર મજાક કરી છે.

મૂળ મહારાષ્ટ્રના ધૂલિયાના ચંદ્રકાંત પાટીલ 23 વર્ષ પહેલા રોજગારીની શોધમાં નવસારીમાં આવ્યા હતા. તેના બાદ તેમનો પરિવાર અહીં જ સ્થાયી થયો હતો. તેમના પરિવારમાં પત્ની મંગલબેન પાટીલ તથા બે પુત્ર મયુર અને કિરણ હતા. ગુજરાતમાં રહીને તેઓએ પોતાના બંને પુત્રોને સારી રીતે ભણાવ્યા. આ પરિવાર સુખે સુખે રહેતો હતો. પરંતુ બે વર્ષ પહેલા દાંડીના દરિયામાં તેમના નાના પુત્ર કિરણ (ઉંમર 18 વર્ષ)નું નિધન થયું હતું. એક પુત્ર ગુમાવ્યાના દુખમાંથી હજી પાટીલ પરિવાર બહાર આવ્યો પણ ન હતો, ત્યાં જ તાજેતરમાં તેમણે અકસ્માતમાં બીજો જુવાનજોધ પુત્ર પણ ગુમાવ્યો.

ચંદ્રકાંત પાટીલનો બીજો પુત્ર મયુર (ઉમર વર્ષ 22) અભ્યાસ કર્યા બાદ પોતાના પિતાની સાથે સચીન જીઆઈડીસીમાં નોકરી કરતો હતો. ત્યારે ગઈકાલે મયુર પોતાના મિત્ર સાથે બાઈક પર જઈ રહ્યો હતો. એરુ ચાર રસ્તા પાસે ગાય આડી આવી જતા બંને મિત્રો ફંગોળાયા હતા. જેમાં મયુરનું મોત નિપજ્યું હતું.

કુદરતે એક બાદ એક બે વર્ષમાં જ બંને પુત્રોને છીનવી લીધા છે. આ જાણીને પાટીલ દંપતી પોતાના આસું રોકી શક્યું નહિ. બંને પુત્રોને મજબૂર પિતાએ કાંધ આપી હતી. નવસારીમાં મયુરના ગઇકાલે અંતિમ સંસ્કાર કર્યા બાદ હૈયાફાટ રૂદન સાથે દંપતી પોતાના વતન મહારાષ્ટ્રના બામને ગામે પરત ફર્યુ હતું. જ્યાં મોટા પુત્રની મરણ પછીની તમામ વિધિ પૂર્ણ કર્યા બાદ નવસારી પરત ફરશે.

(4:47 pm IST)