Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

અહેવાલનું પ્રસારણ પ્રમાણિત સ્રોત દ્વારા કરવા માટે આદેશ

દિશાની અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટની ટકોર : ચેનલ હેડે યોગ્ય એડિટોરિયલ નિયંત્રણનું પાલન કરવું

નવી દિલ્હી, તા. ૧૯ : ટૂલકિટ કેસમાં દિલ્હી હાઈકોર્ટે મહત્વની ટકોર કરતા આદેશ આપ્યો છે કે મીડિયા સુનિશ્ચિત કરે કે અહેવાલનું પ્રસારણ પ્રમાણિત અને વિશ્વાસપાત્ર સ્રોત મારફતે કરવામાં આવે. એડિટોરિયલ ટીમ પણ ધ્યાન રાખે કે આ પ્રકારના પ્રસારણમાં પ્રમાણિત સામગ્રી હોય. પર્યાવરણ કાર્યકર દિશા રવિની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન આ ટકોર કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે વચગાળાનો આદેશ આપતા જણાવ્યું કે મીડિયા એ સુનિશ્ચિત કરે છે પ્રસારણ પ્રમાણિત અને વિશ્વાસપાત્ર સ્રોતથી મેળવાયું હોય. ચેનલ હેડે યોગ્ય એડિટોરિયલ નિયંત્રણનું પાલન કરવું પડશે જેથી તપાસમાં બાધારૂપ ના થાય. જસ્ટિસ પ્રતિભા સિંહે જણાવ્યું હતું કે, ખેડૂત આંદોલનને લઈને ટૂલકિટ કેસમાં દિશાની સંડોવણી હોવાની એફઆઈઆરમાં કેટલાક અહેવાલ ઉત્તેજના ધરાવતા તેમજ પૂર્વગ્રહયુક્ત હોવાનું જણાય છે પરંતુ અહેવાલો અને ટ્વીટને હાલના તબક્કે ડિલીટ નહીં કરવામાં આવે તે અંગે પાછળથી વિચાર કરાશે.

ચાર્જશીટ સમાપ્ત થઈ ગયા બાદ તેના કવરેજમાં કોઈપણ રીતે વિરોધાભાસ ના હોવો જોઈએ. હાઈકોર્ટે પક્ષકારોને સોગંદનામું દાખલ કવા માટે સમય આપ્યો છે. આગામી સુનાવણી ૧૭ માર્ચના યોજાશે. હાઈકોર્ટે દિશાએ આપેલા અંડરટેકિંગને રેકોર્ડ પર લીધું છે કે, તેના જાણીતા લોકો આ કેસમાં બિનજરૂરી/અપમાનજનક સંદેશ નહીં આપે. જેથી એ સુનિશ્ચિત કરવું પડશે કે પક્ષકાર તપાસને નુકસાન ના પહોંચાડે.

દિશાએ પોતાની પ્રાઈવેટ વોટ્સએપ ચેટને લગતી તમામ માહી ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ડિલીટ કરવા પણ માંગ કરી છે. દિશા રવિએ ચાર્જશિટ દાખલ થાય ત્યાં સુધી દિલ્હી પોલીસને મીડિયા સાથે કોઈપણ માહિતી ઉપલબ્ધ નહીં કરાવવાની માંગ અરજીમાં કરી છે.

દિશાના વકીલે આરોપ લગાવ્યો છે કે દિલ્હી પોલીસ પોતાના ટ્વિટર હેન્ડલના માધ્યમથી દિશા વિરુદ્ધ પોતાનો કેસ બનાવી રહી છે. વકીલે એક ખાસ ચેનલના વીડિયોનો ઉલ્લેખ કરતા કહ્યું કે ન્યૂઝ એક્નર અને રિપોર્ટરનું કહેવું છે કે, તેમને આ માહિતી સાયબર સેલના સ્રોત મારફતે મળી છે. કોર્ટે દિશાના વકીલ અમિત સિબ્બલને પૂછ્યું હતું કે શું તે એવો દાવો કરી રહ્યા છે કે પોલીસે હકીહતમાં ચેટ લીક કરી હતી. આના જવાબમાં વકીલે જણાવ્યું કે હકીકતમાં લીક થયું છે. આ એકમાત્ર તાર્કિક નિષ્કર્ષ છે. ટીવી ચેનલે કહ્યું કે તેમને સામગ્રી પોલીસ સૂત્રો પાસેથી મળી છે. મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતા વખતે આવું થયું છે.

સિબ્બલે જણાવ્યું કે, આરોપીની પ્રાઈવસી અને મૌલિક અધિકારોનું હનન થતું અટકાવવું જોઈએ. સાથએ જ તેમણે ઉમેર્યું કે ધરપકડ થઈ ગઈ છે. તપાસ ચાલી રહી છે તો હવે ચાર્જશિટ દાખલ થાય ત્યાં સુધી મીડિયા બ્રીફિંગનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી માટે તેને અટકાવવું જોઈએ.

(7:42 pm IST)