Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

FIR અંગે નિર્ણય માટે શખ્સની વય, વેપાર પુછવો જોઈએ?અમિત શાહ

ટૂલકિટ કેસમાં દિશાની ધરપકડ અંગે લોકોના સવાલો : શું જેન્ડર, વ્યવસાય, ઉંમરના આધારે નક્કી થશે કે FIR કરાશે કે નહીં, કે પછી ગુનાના આધારે નિર્ણય લેવાશે?

કોલકાતા, તા. ૧૯ : ખેડૂત આંદોલનના સમર્થનમાં ટૂલકીટ કેસ સંદર્ભે દિશા રવિની ધરપકડ અંગે દેશના ઘણા લોકો પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક સવાલ પૂછવામાં આવ્યો હતો. જવાબમાં શાહે કહ્યું, તેમાં ખોટું શું છે? કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે જો કોઈ વ્યક્તિ ગુનો કરે છે, તો શું તેની ઉંમર પૂછવી જોઈએ? તેના પ્રોફેશનલ વિશે પૂછવું જોઈએ? તે કોની સાથે જોડાયેલ છે તે પૂછવું જોઈએ? કે પછી તેણે ગુનો કર્યો છે કે નહીં તેના આધારે નિર્ણય લેવાશે.

અમિત શાહે કહ્યું કે, જો કાલે કોઈ કઈ પણ કરે... કોઈ મોટો ગુનો કરે છે, તો એમ કહેવું જોઈએ કે તે રાજકારણીઓ ઉપર કેમ કરવામાં આવ્યું છે, પ્રોફેસરો પર કેમ કરવામાં આવ્યું છે, તે ખેડૂતો પર કેમ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ સવાલ ઉઠાવ્યો કે શું એવું કરી શકાશે? શાહે કહ્યું કે, શું આ કોઈ નવો પદ્ધતિ અપનાવી છે. શું જેન્ડર, વ્યવસાય અને ઉંમરના આધારે નક્કી કરાશે કે એફઆઈઆર કરવામાં આવશે કે નહીં, કે પછી ગુનાના આધારે નિર્ણય લેવામાં આવશે. આ નવી ફેશન શરૂ થઈ છે. તેમણે કહ્યું કે આ દેશમાં કોર્ટ છે કે નહીં. જો ખોટી એફઆઈઆર હોય તો તમે તેને રદ કરાવવા માટે કોર્ટમાં જઇ શકો છો.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, તેઓ ખેડૂત આંદોલનને લગતી તપાસને લઈને કેસ અથવા તેની યોગ્યતા વિશે કશું કહેશે નહીં. શાહે કહ્યું કે આ તેમનો વિષય નથી. તેમણે કહ્યું કે આઇપીએસ અધિકારીઓએ પોતાનું કામ પ્રોફેશનલ રીતે કરવું જોઈએ. અમને તેમની તપાસમાં પૂરો વિશ્વાસ છે. શાહે કહ્યું કે આ કેસ અંગે દિલ્હી પોલીસ અધિકારીઓને કોઈ વિશેષ સૂચના આપવામાં આવી નથી, જેથી કાયદાને તોડી-મરોડીને કંઇક કરવું પડે. તેઓ બંધારણ હેઠળ કામ કરી રહ્યા છે.

શાહે કહ્યું હતું કે, ૨૧-૨૧ વર્ષના કેટલાય યુવાનો હશે જેમની ધરપકડ થઈ છે તો પછી આ કેસ પર સવાલો કેમ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસ પાસે કેટલાક પુરાવા હશે. શાહે મીડિયા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે મીડિયા પણ તેમાં સામેલ છે. જો કોઈ પૂછે તો માત્ર તમે જ કેમ? દેશમાં કેટલી છોકરીઓ ૨૧ વર્ષની છે. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસ પ્રોફેશનલ રીતે પોતાનું કામ કરી રહી છે. એવું હોઈ શકે છે કે અસેસમેન્ટમાં કોઈ ભૂલ થઈ હોય, મને ખબર નથી. જો કે, તે ભૂલની શક્યતા ઓછી છે, કારણ કે તે સંવેદનશીલ મામલો છે.

(7:43 pm IST)