Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

લગ્નમાં ભાજપ નેતાને નહીં બોલાવવા પંચાયતનો આદેશ

ખેડૂત આંદોલનના ૮૫ દિવસ : ભાજપ નેતાઓને કોઈ પણ ખેડૂત લગ્ન પ્રસંગમાં બોલાવશે તો તેને ૧૦૦ લોકોને ભોજન કરાવવાનો દંડ ફટકારાશે

નવી દિલ્હી, તા. ૧૯ : નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ સાથે દિલ્હી બોર્ડર પર છેલ્લા ૮૫ દિવસથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલનના સમર્થનમાં દેશના સંખ્યાબંધ રાજ્યોમાં ખેડૂત પંચાયતોનુ આયોજન પણ થઈ રહ્યુ છે. પશ્ચિમ યુપીના મુઝ્ઝફરપુરમાં યોજાયેલી આવી જ એક પંચાયતમાં એલાન કરવામાં આવ્યુ છે કે, જો ભાજપના નેતાઓને કોઈ પણ ખેડૂત પોતાના લગ્ન પ્રસંગમાં બોલાવશે તો તેને ૧૦૦ લોકોને ભોજન કરાવવાનો દંડ કરવામાં આવશે.

આ પંચાયતમાં સંખ્યાબંધ ખેડૂત નેતાઓ હાજર રહ્યા હતા.ભારતીય કિસાન યુનિયનના ચૌધરી નરેશ ટિકૈતે કહ્યુ હતુ કે, કોઈ પણ ખેડૂત પોતાના ઘરમાં લગ્ન હોય તો ભાજપના નેતાઓને કંકોત્રી ના આપે.જો કોઈ ખેડૂત આમંત્રણ આપશે અને નેતા લગ્નમાં જશે તો આ ખેડૂતને ૧૦૦ લોકોને સ્પેશ્યલ ભોજન કરાવવાનો દંડ કરાશે. તેમણે તો એવો પણ દાવો કર્યો હતો કે, જો આ કાયદો સરકાર પાછો નહીં લે તો ૧૦૦ સંસદ સભ્યો ભાજપ સાથે છેડો પાડવા માટે તૈયાર છે.

બીજી તરફ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યુ હતુ કે, સરકાર ખેડૂતો વચ્ચે ફૂટ પડાવવાના પ્રયાસો કરી રહી છે પણ ખેડૂતોની એકતામાં ભંગાણ પડવાનુ નથી. અમે જરુર પડી તો દિલ્હીમાં હળ ક્રાંતિ કરવા માટે તૈયાર છે અને ખેડૂતોએ પોતાના ઉભા પાકનુ બલિદાન આપવા માટે પણ તૈયાર રહેવુ પડશે.

(9:08 pm IST)