Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

કોરોનાને લીધે રાહુલ ગાંધીએ બંગાળની રેલીઓ રદ્દ કરી

અન્ય પાર્ટીઓને બધું બંધ કરવાની સલાહ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું આટલી ભીડ મેં પહેલીવાર જોઈ છે, રાહુલ ગાંધી કહ્યું બીમારો-મૃતકોની આટલી ભીડ પહેલીવાર જોઈ છે

નવી દિલ્હી,તા.૧૮ : એક તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે બીજી તરફ ચૂંટણી પ્રચારમાં ઉમટી રહેલી ભીડ સામે સવાલ ઉઠી રહ્યા છે. જેનો લાભ લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રવિવારે જાહેરાત કરી છે કે તેઓ પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચારમાં ચાલનારા પોતાના આગામી કાર્યક્રમો રદ્દ કરે છે. તેમણે આમ કરવા પાછળનું કારણ હાલની કોરોના સ્થિતિ ગણાવી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, *હાલની કોરોના સ્થિતિને જોતા હું મારી તમામ પશ્ચિમ બંગાળના જાહેર રેલીઓના કાર્યક્રમો રદ્દ કરું છું. આગળ તેમણે એવું પણ લખ્યું છે કે, હું સલાહ આપવા માગુ છું કે અન્ય રાજકીય નેતાઓ પણ આ વિશે ઊંડાણથી વિચારે કે હાલની સ્થિતિમાં વિશાળ સભાઓ યોજવાનું શું પરિણામ આવી શકે છે.

           વડાપ્રધાન મોદીએ બંગાળમાં એક રેલીમાં લોકોને જોઈને કહ્યું હતું કે, તેમણે આટલી ભીડ પહેલીવાર જોઈ છે. જેના પર કટાક્ષ કરીને રાહુલ ગાંધીએ રવિવારે ટ્વિટ કરીને કહ્યું, બીમારો અને મૃતકોની આટલી ભીડ પહેલીવાર જોઈ છે. રાહુલ ગાંધીનો આરોપ છે કે મોદી સરકાર કોવિડ-૧૯ના કારણે ઉભી થયેલી સ્થિતિને સંભાળવામાં નિષ્ફળ થઈ રહી છે. ભારતમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૨,૬૧,૫૦૦ નવા કેસ નોંધાયા છે. આ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સતત ચોથો દિવસ છે કે જ્યારે કેસનો આંકડો ૨ લાખને પાર ગયો છે. શનિવારે ૨,૩૪,૬૯૨ અને ગુરુવારે ૨,૦૦,૭૩૯ અને શુક્રવારે ૨,૧૭,૩૫૩ કેસ નોંધાયા હતા. દેશમાં હાલ કોરોનાના કુલ કેસનો આંકડો ૧,૪૭,૮૮,૧૦૯ પર પહોંચી ગયો છે.

(12:00 am IST)