Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

કોરોના મહામારી વચ્ચે માઠા સમાચાર

૧૦૦ દિ'માં પુરી થશે બીજી લહેરઃ ત્રીજી પણ આવશે

મેના ત્રણ મહિના પછી આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર : મેના અંત સુધી કોરોનાનો બીજો સ્ટ્રેઇન નબળો પડશે

નવી દિલ્હી, તા.૧૯: ભારતમાં કોરોના સંક્રમણનો ખતરો કયારે પુરો થશે? બીજી લહેર કયારે પુરી થશે? ત્રીજી લહેર આવશે? આ બાબતે નિષ્ણાતોએ કહયુ છે કે બીજી લહેર ૧૦૦ દિવસ સુધી રહેશે. આ લહેર આખરી નથી આવી અનેક લહેર આવતી જતી રહેશે. કોરોના સંક્રમણનો ખતરો આ લહેર સાથે પુરો નહિ થાય તેનો ખતરો ત્રીજી-ચોથી એવી અનેક લહેરો સાથે આવતો રહેશે.

ભારત સહિત વિશ્વભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાની બીજી લહેરે ભારતમાં ઘણી જ ઘાતક સાબિત થઇ રહી છે. કેસ અને મૃત્યુઆંકમાં પણ ભારે વધારો થયો છે. જેને લઇ લોકો હવે વિચારી રહ્યાં છે કે આ મહામારીનો અંત કયારે આવશે. ત્યારે મે મહિનાના ત્રણ મહિના બાદ ફરી કોરોના ઉથલો મારી શકે છે. અને મેના ત્રણ મહિના પછી ફરી કોરોનાનો ત્રીજો સ્ટ્રેઇન આવશે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે.

IMA પ્રમુખ ડો.અનિલ ચૌહાણે કહ્યું કે મેના અંત સુધી કોરોનાનો બીજો સ્ટ્રેઇન નબળો પડશે. પરંતુ ત્રણ મહિના પછી ફરીથી કોરોના ઉથલો મારશે. તો સાથે સાથે કહ્યું કે ઝડપથી ફેલાતા યુકે સ્ટ્રેઇનને કારણે કેસ અને મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. આ સ્ટ્રેઇનમાં બાળકો સંક્રમિત થવાના પ્રમાણમાં પણ વધારો થયો છે. ત્યારે ત્રીજા સ્ટ્રેઈન સામે ટકી રહેવા ઓગસ્ટ સુધી બમણા તબીબી સ્ત્રોતની જરૂર પડશે તેવો દાવો કર્યો છે.

રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજયમાં ગત ૨૪ કલાકમાં કોરોનાના ૧૦,૩૪૦ નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ ૧૧૦ લોકોના મોત નિપજયા છે. અને ૩,૯૮૧ દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં ૩,૩૭,૫૪૫ દર્દીઓ કોરોના મુકત થયાં છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં ૧૧૦ લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં ૫૩૭૭ લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજયમાં હાલ ૩૨૯ લોકો વેન્ટિલેટર પર છે. એકિટવ કેસનો આંકડો ૬૧,૬૪૭ પર પહોંચ્યો છે.

(10:01 am IST)