Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

રાહુલ ગાંધીની પહેલને પ્રતિસાદ : હવે મમતા બેનર્જી પણ કોલકતામાં પ્રચાર નહિ કરે : પ્રતીકાત્મક રીતે બેઠક કરશે

બાકી તમામ જિલ્લામાં તેમણે ચૂંટણી સભાઓનો સમય ઘટાડી ને માત્ર 30 મિનિટ કરી દીધો

કોલકતા : દેશમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે દેશભરમાં પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા ઇલેક્શન ઉપર અનેક સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે. આથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી એક મહત્વની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળમાં બાકી રહેલા ત્રણ તબક્કાનો ચૂંટણી પ્રચાર તેઓ નહીં કરે.

ટીએમસી સાંસદ ડેરેકઓ બ્રાયને આ બાબતે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, હવે મમતા બેનર્જી કલકત્તામાં ચૂંટણી પ્રચાર કરશે નહીં. ડેરેકે ટ્વીટમાં લખ્યું હતું કે, બંગાળમાં ચૂંટણી પ્રચારને લઈને સીએમ મમતા બેનર્જીએ જાહેર કર્યુ છે કે તેઓ કલકત્તામાં પ્રચાર કરશે નહીં. તેઓ પ્રતીકાત્મક રીતે શહેરમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે માત્ર એક બેઠક જ કરશે. બાકી તમામ જિલ્લામાં તેમણે ચૂંટણી સભાઓનો સમય ઘટાડી ને માત્ર 30 મિનિટ કરી દીધો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સીએમ મમતા બેનર્જીએ આ પહેલા પણ માંગ કરી હતી કે બંગાળમાં બાકીના તબક્કાની ચૂંટણી એક સાથે કરવામાં આવે. પરંતુ ચૂંટણી પંચે આ બાબતને માન્ય રાખી નથી. નોંધનીય એ પણ છે કે રાહુલ ગાંધીએ રવિવારે ટ્વિટ કરીને કોરોના સંક્રમણના કારણે બંગાળમાં તમામ રેલીઓ, ચૂંટણી સભાઓ બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તમામ રાજનૈતિક દળોને પણ આવું કરવા માટે વિચાર કરવા કહ્યું હતું.

(11:28 am IST)