Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર ફરી ડામાડોળ: પાયલોટ જૂથના ધારાસભ્યે રાજીનામુ ધરી દેતા રાજકીય ગરમાવો

ગહેલોત સરકારના કામકાજથી નારાજ ગુડામાલાનીના ધારાસભ્ય હેમરામ ચૌધરીએ રાજીનામુ આપ્યું

રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર ફરી એકવાર ડામાડોળ થાય તેવા સંજોગો ઉભા થઇ રહ્યા છે.સચીન પાયલોટ ગ્રુપના એક ધારાસભ્યએ રાજીનામું ધરી દેતા રાજસ્થાનના રાજકારણમાં હોબાળો મચી ગયો છે.રાજસ્થાનમાં ગેહલોત સરકારથી નારાજ થઇને અગાઉ પણ ધારાસભ્યોએ રાજીનામા આપીને તેમની નારાજગી વ્યકત કરી હતી.

રાજસ્થાનમાં કોંગ્રેસમાં ફરી એકવાર રાજકીય સંકટ નજરે પડી રહ્યું છે. સચીન પાયલોટ ગ્રુપના ધારાસભ્ય હેમારામ ચૌધરીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. એવું જાણવા મળ્યું છે કે હેમારામ ચૌધરી ગહેલોત સરકારના કામકાજથી નારાજ ચાલતા હતા. એ પછી તેમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો.હેમારામ ગુડામાલાનીના ધારાસભ્ય છે.

 ગયા વર્ષે રાજસ્થાન કોંગ્રેસમા સચીન પાયલોટની આગેવાની હેઠળ રાજકીય સંકટ ઉભું થયું હતું.સચીન પાયલોટ અશોક ગહેલોત સરકારમાં ઉપ મુખ્યમંત્રી પદે હતા છતા તેમને સરકાર સામે બળવો કર્યો હતો અને છેક દિલ્હી હાઇકમાન્ડ સુધી વાત પહોંચી હતી.

સચીન પાયલોટે બળવો કર્યો હતો ત્યારે હેમારામ સચીન પાયલોટ ગ્રુપમાં સામેલ હતા અને તે વખતે પણ તેમને રાજસ્થાન સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. પોતાની જ સરકાર સામે રણશિંગુ ફૂંકવાને કારણે હેમારામ તે વખતે પણ ચર્ચામાં આવ્યા હતા.

તાજેતરમાં રાજસ્થાન વિધાનસભામાં 50 ધારાસભ્યોને માઇક વગરની સીટ ફાળવી દેતા ભારે હંગામો થયો હતો. રાજસ્થાનની અશોક ગહેલોત સરકાર સામે પાર્ટીના ધારાસભ્યોની નારાજગી વધતી જ જાય છે. આ પહેલાં પણ 8 ધારાસભ્યોએ સરકાર સામે અસંતોષ વ્યકત કરીને રાજીનામાં આપી દીધા છે.

આ પહેલાં આ મુદ્દા પર વિધાનસભા અધ્યક્ષ સી.પી, જોશી તથા કોંગ્રેસના ધારાસભ્ય રમેશ મીણા વચ્ચે દલીલ થઇ હતી. રમેશ મીણાએ વિધાનસભાની બહાર કહ્યું હું કે મારી સમસ્યા માટે હું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળીને રજૂઆત કરીશ. હેમારામ ચૌધરી ઉપરાંત પૂર્વ મંત્રી રમેશ મીણા, પૂર્વ મંત્રી વિશ્વેન્દ્ર સિંહ, ધારાસભ્ય વેદ પ્રકાશ સોલંકી, મુરારી લાલ મીણા રાજસ્થાનની સરકારની કામગીરી સામે અસંતોષ વ્યકત કરી ચૂક્યા છે.

(12:17 am IST)