Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

કેજરીવાલની ચેતવણી

સિંગાપોરથી ભારત આવી શકે કોરોનાની ત્રીજી લહેર

કેજરીવાલે કેન્દ્રને સિંગાપોરની ફલાઇટસ બંધ કરવા અપીલ કરીઃ બાળકો માટે પણ રસીના વિકલ્પોને પ્રાધાન્ય આપવું જોઈએ

નવી દિલ્હી, તા.૧૯: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોવિડ -૧૯ના ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે. તેમણે સિંગાપોરમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો બાળકોને અસર કરતો એક રિપોર્ટ શેર કર્યો છે. કેજરીવાલે એક ટ્વિટમાં કહ્યું હતું કે 'સિંગાપોરમાં આવેલું કોરોનાનું નવું રૂપ બાળકો માટે ખૂબ જોખમી ગણાવી રહ્યું છે, તે ભારતમાં ત્રીજી લહેર તરીકે આવી શકે છે'.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા કોવિડ -૧૯ના B.1.617 વેરિયન્ટને 'ચિંતાજનક વેરિયન્ટ' જાહેર કર્યું છે. WHO અનુસાર તે બાકીના વેરિયન્ટ કરતાં વધુ ચેપી છે. મહારાષ્ટ્રમાં ગયા વર્ષે ઓકટોબરમાં સેમ્પલમાં આ વેરિયન્ટ ઘટસ્ફોટ થયો હતો. ત્યારે તેને 'ડબલ મ્યુટન્ટ' કહેવામાં આવ્યું હતું. ગયા અઠવાડિયે પોતાના રિપોર્ટમાં WHOએ જણાવ્યું છે કે B.1.617 અને તેના અલગ સબ વેરિયન્ટ (B.1.617.1, B.1.617.2, B.1.617.3) સાથે ઓછામાં ઓછા ૪૪ દેશોમાં ફેલાઈ ચૂકયું છે.

સિંગાપોર સિવાય તેના કેસો યુએસએ, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, જર્મની, ઇઝરાઇલ, ડેનમાર્ક, જાપાન, આયર્લેન્ડ, બહેરિન, કેનેડા, ફીજી જેવા દેશોમાં પણ જોવા મળ્યા છે. ડબ્લ્યુએચઓ મુજબ, B.1.617 અને તેના સબ વેરિયન્ટની વેકસીન, સારવાર અને રી-ઈન્ફેકશન અંગેની સ્થિતિ પણ સ્પષ્ટ નથી.

(10:07 am IST)