Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

સરકાર ટુંક સમયમાં લેશે નિર્ણય

કોરોનાની સારવારમાં પ્લાઝમા થેરેપી બાદ હવે રેમડેસિવિરના ઉપયોગ ઉપર પણ પ્રતિબંધ ?

નવી દિલ્હી તા. ૧૯ : દેશમાં કોરોના સંક્રમણની સારવારને લઈને હવે ઘણા નવા સંશોધન બહાર આવી રહ્યા છે. દેશમાં લાંબા સમયથી પ્લાઝમા થેરેપી જે કોરોના સંક્રમણ સામે લડવામાં અસરકારક હોવાનું માનવામાં આવી, જે બાદ હવે રેમડેસિવીર પણ કોરોનાની સારવારમાંથી હટાવવાનું માનવામાં આવી રહ્યું છે.

કોરોનાની સારવારમાંથી પ્લાઝમા થેરેપીને દૂર કરવાના નિર્ણય પછી, ટૂંક સમયમાં જ રેમડેસિવીર ઇન્જેકશનને દૂર કરવાનો નિર્ણય લઈ શકાય છે. દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલનાં અધ્યક્ષ ડો.ડી.એસ.રાણાએ મંગળવારે કહ્યું હતું કે, કોરોના ટ્રીટમેંટમાંથી રેમડેસિવીરને પણ જલ્દી જ દૂર કરવાની વિચારણા ચાલી રહી છે.

કોરોનાગ્રસ્ત દર્દીઓ પર તેની સારી અસર વિશે કોઈ પુરાવા બહાર આવ્યા નથી. તેથી, આ દવા અસરકારક ગણી શકાય નહીં. આઇસીએમઆરની સલાહથી કોરોના ટ્રીટમેન્ટમાંથી પ્લાઝમા થેરાપીને દૂર કરવામાં આવી છે અને હવે એવી શકયતા છે કે રેમડેસિવીર પણ દૂર થઈ શકે.

કોરોના સંક્રમણ દરમિયાન પ્લાઝમા થેરેપી અને રેમડેસિવીર બંનેની માંગ એટલી વધી ગઈ હતી કે કેન્દ્ર સહિત અનેક રાજય સરકારોએ કોરોના ચેપગ્રસ્ત લોકોને પ્લાઝમા દાન કરવા જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. બીજી તરફ, રેમડેસિવીરની માંગ એટલી વધારે હતી કે બ્લેક માર્કેટમાં આ દવાની માંગ વધી ગઈ હતી, તેના કાળા બજારને રોકવા માટે સરકારે કડક નિર્ણય લેવો પડ્યો હતો અને કંપનીએ પણ તેની માંગને પહોંચી વળવા ઉત્પાદન વધારવા પર ભાર મૂકવો પડ્યો હતો. કંપની રેમડેસિવીરના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

રેમડેસિવીરની સતત વધી રહેલી માંગ અંગેના આ નવા નિવેદનની શું અસર થશે, તે કહેવું મુશ્કેલ છે. જોકે કેન્દ્ર સરકારે નિવેદન જારી કર્યું છે કે રેમડેસિવીર કોરોનાની સારવારમાં અસરકારક નથી, તેમ છતાં, દવાની માંગ પર તેની વિશેષ અસર થઇ નહી. આ પછી, દવાઓના બ્લેક માર્કેટિંગને રોકવા માટે તેના ઉપયોગ અંગેના નિયમો સરકારે બનાવ્યા, તેનો ઉપયોગ હોસ્પિટલોમાં કેવી રીતે કરવામાં આવશે, કઈ વ્યૂહરચના નક્કી કરવામાં આવશે.

(11:26 am IST)