Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ઇઝરાયલે ગાઝામાં કાળોકેર મચાવી દીધોઃગાઝા સ્થિત એકમાત્ર કોવિડ ટેસ્ટ લેબનો ભુક્કો

અત્યાર સુધીમાં એરસ્ટ્રાઇકમાં ૨૧૩ના મોતઃ ૬૧ બાળકો સામેલ

તેલઅવીવ, તા.૧૯: ઈઝરાયલ અને પેલેસ્ટાઈનની વચ્ચે તણાવ વધતો જ જઈ રહ્યો છે.  હમાસ તરફથી ઈઝરાયલ પર રોકેટ લાદવામાં આવી રહ્યા છે. જવાબમાં ઈઝરાયલ તરફથી એરસ્ટ્રાઈક કરવામાં આવી રહી છે. આ બધુ પેલેસ્ટાઈનના બીજી ભાગ એટલે કે ગાઝામાં થઈ રહ્યુ છે. ઈઝરાયલી એરસ્ટ્રાઈકમાં ગાઝા સ્થિત એક માત્રા કોવિડ ટેસ્ટિંગ લેબ નષ્ટ થઈ ગઈ છે.

ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈસ્લામિક ગ્રુપ હમાસની વિરુદ્ઘ ઈઝરાયલની લડાઈની અસર સામાન્ય લોકો પર પડી રહી છે. ઈઝરાયલ તરફથી સ્થાનીક વિસ્તારોમાં કરવામાં આવેલી બોમ્બવર્ષાથી અત્યાર સુધીમાં ૨૧૩ પેલેસ્ટાઈનીના મોત થયા છે. જેમાં ૬૧ બાળકો સામેલ છે.  આ ઉપરાંત ૧૪૦૦થી વધારે લોકો ઘાયલ થયા છે.

યુનાઈટેડ નેશન (યુએન)એ ઈઝરાયલ અને પેલેસ્ટાઈનની વચ્ચે ચાલી રહેલી આ હિસાને માનવીય સંકટનું નામ આપ્યું છે. યૂએનનું કહેવું છે કે ઈઝરાયલે એરસ્ટ્રાઈકના કારણે અત્યાર સુધીમાં ૪૦ હજાર પેલેસ્ટાઈનીઓને આમ તેમ જવું પડ્યુ છે. લગભગ ૨૫૦૦ પેલેસ્ટાઈનીઓને ઘર ગુમાવવું પડ્યુ છે. જો કે આ હિંસામાં નુકસાન ફકત પેલેસ્ટાઈનને નથી થયું. ઈઝરાયલ તરફથી મરનારાની સંખ્યા ૧૨ છે. હમાસે દક્ષિણી એશકોલ વિસ્તારમાં રોકેટ લાદવામાં આવ્યા હતા. જેમાં એક કારખાનામાં કામ કરનારા ૨ થાઈ નાગરિકોના મોત થયા  અને અન્ય દ્યાયલ થયા. જેમાં કેરળની એક મહિલાનું મોત થયું છે.

ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં ગાઝા સ્થિત એક માત્ર કોવિડ ટેસ્ટિંગ લેબ પણ નષ્ટ થઈ ગઈ છે. ગાઝામાં પોઝિટિવિટી રેટ લગભગ ૨૮ ટકા છે. કોરોનાના દર્દીની સારવાર એ હોસ્પિટલમાં ચાલી રહી છે જયાં ૧૫ વર્ષથી નાકાબંધી છે. ગાઝાની વસ્તી ૨ મિલિયન છે.  ઈઝરાયલ અને પેલેસ્ટાઈનની વચ્ચે હિંસક સંદ્યર્ષની શરુઆત ૧૦ મેએ થઈ હતી. જયારે ગાઝા પટ્ટીથી હમાસે લગભગ ૩૫૦૦ રોકેટ લાદ્યા હતા. જેમાંથી મોટા ભાગના રોકેટ ઈઝરાયલે આયરન ડોમે હવામાં જ નષ્ટ કરી નાંખ્યા હતા. જેમાંથી કેટલાક વસ્તી પર પડતા નુકસાન થયું એ બાદ ઈઝરાયલ એરસ્ટ્રાઈકથી હમાસને જવાબ આપી રહ્યુ છે.

(11:27 am IST)