Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

રાજકોટમાં ધીમે ધીમે કોરોનાનું જોર ઘટયુ

આજે ૧૭ મોતઃ નવા ૪૫ કેસ

કુલ કેસનો આંક ૪૦,૧૮૨એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૩૮,૪૭૬ દર્દીઓએ કોરોના હરાવ્યોઃ રિકવરી રેટ ૯૫.૮૬ ટકા થયોઃ સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૨૮ પૈકી ૧ કોવિડ ડેથઃ હાલમાં ૧૪૮૮ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૯: શહેર-જીલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૧૭ નાં મૃત્યુ થયા છે. શહેરમાં બપોર સુધીમાં ૪૫ કેસ નોંધાયા છે. આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૧૮નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૧૯નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૧૭ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૨૮ પૈકી ૧ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૩૫૪૨ બેડ ખાલી છે. નોંધનીય છે કે શહેરમાં કોરોનાનું  સંક્રમણ વધતા શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

બપોર સુધીમાં કોરોનાના ૪૫ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૫  નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૦,૧૮૨ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૩૮,૪૭૬ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૨૯૫૧ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૮૭  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૬.૩૪ ટકા થયો  હતો. જયારે ૪૦૯ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૧૧,૦૫,૧૬૦ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૦,૧૮૨ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૩.૬૩ ટકા થયો છે.

(3:09 pm IST)