Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

કેજરીવાલના 'કોરોના વેરિયન્ટ' ટ્વીટ પર સિંગાપુર લાલઘુમ : વિદેશ મંત્રાલયે આપવી પડી સ્પષ્ટતા

સિંગાપુરે સખ્ત પ્રતિક્રિયા આપી ભારતીય હાઇ કમિશનરને તેડાવ્યા

નવી દિલ્હી તા. ૧૯ : કોરોનાની બીજી લહેર અત્યારે દેશમાં પોતાની અસર દેખાડી રહી છે, તો ત્રીજી લહેરને લઇને સતર્કતા પણ વધી ગઈ છે. ગઇકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ દરમિયાન કોરોનાના શ્નસિંગાપુર સ્ટ્રેનલૃને લઇને ચેતવણી આપી હતી અને ભારત સરકારને એકશન લેવાની અપીલ કરી હતી. પહેલા ભારત સરકારે અરવિંદ કેજરીવાલના આરોપોનો જવાબ આપ્યો અને સિંગાપુર તરફથી જવાબ પણ આપવામાં આવ્યો છે. સિંગાપુરે સખ્ત પ્રતિક્રિયા આપી છે, સાથે ભારતીય હાઈ કમિશ્નરને બોલાવ્યા છે.

ભારતમાં રહેલા સિંગાપુરના હાઈકમિશન તરફથી મંગળવારના અરવિંદ કેજરીવાલના ટ્વીટ પર જવાબ આપવામાં આવ્યો, જેમાં કહેવામાં આવ્યું કે સિંગાપુરમાં કોરોનાના નવા સ્ટ્રેન જોવા મળ્યાની વાતમાં કોઈ સત્ય નછી. ટેસ્ટિંગના આધારે જાણવા મળ્યું છે કે સિંગાપુરમાં કોરોના B.1.617.2 વેરિએન્ટ જ મળ્યું છે. આમાં બાળકો સાથે જોડાયેલા કેટલાક કેસો પણ સામેલ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર વિવાદ વધ્યો છે.

સિંગાપુરની સરકારે ત્યાં ભારતના હાઈ કમિશ્નરને બોલાવ્યા છે અને સિંગાપુર વેરિએન્ટવાળા ટ્વીટ પર વાંધો ઉઠાવ્યો છે. ભારત તરફથી જવાબ આપવામાં આવ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી પાસે કોવિડના વેરિએન્ટ અથવા વિમાન પોલિસી પર બોલવાનો અધિકાર નથી. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ આ વિવાદ મામલે ટ્વીટ કર્યું છે અને કહ્યું કે, સિંગાપુર અને ભારત બંને કોરોનાની વિરૂદ્ઘ લડાઈ લડી રહ્યા છે. આ લડાઈમાં સિંગાપુર દ્વારા ભારતની જે મદદ કરવામાં આવી તે માટે તેમનો આભાર. હું સ્પષ્ટ કરી દેવા ઇચ્છુ છું કે દિલ્હીના મુખ્યમંત્રીનું નિવેદન ભારતનું નથી.

ફકત દૂતાવાસે જ નહીં, પરંતુ સિંગાપુરની સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ મંગળવારના પ્રેસ રિલીઝ જાહેર કરીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના દાવાનું ખંડન કર્યું હતુ. સિંગાપુરના વિદેશ મંત્રી વિવિયન બાલાકૃષ્ણને આ મુદ્દા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, રાજનેતાઓએ તથ્યો પર વાત કરવી જોઇએ, કોરોનાનું કોઈ સિંગાપુર વેરિએન્ટ નથી.

(3:18 pm IST)