Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

જયાં જવા યુવાધન આતુર હોય છે તે

અમેરીકાની યુનિવર્સિટીઓમાં શિક્ષણ મેળવવાની ભારતીય-ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ઉજળી તક

ગયા વર્ષે કોરોનાને કારણે પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થયો હતો, પરંતુ આ વર્ષે સમયસર આયોજનઃ ઓગસ્ટ મહિનાથી શિક્ષણ કાર્ય શરૂ : કોવિડ-૧૯ સંદર્ભેના નિયમોમાં પણ અમેરીકા દ્વારા વિદ્યાર્થીઓ માટે છૂટછાટ જાહેર કરવામાં આવી

રાજકોટ તા. ૧૯ : માહિતી અને ટેકનોલોજીના આજના ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં સમાજનું યુવાધન હંમેશા ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉજજવળ કારકિર્દિ બનાવવા તલપાપડ હોય છે. ભારત સહિત વિવિધ દેશોમાં પોતાની પસંદગી અને જરૂરીયાત મુજબનું શિક્ષણ મેળવવા વિદ્યાર્થીઓ તનતોડ, મહેનત કરતા હોય છે. પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં ઉચ્ચ ડીગ્રી મેળવીને સારી પોસ્ટ ઉપર સિલેકટ થઇને સત્તા સાથે સેવા કરવાનો અને સન્માન મેળવવાનો મોકો આજનું યુવાધન સતત શોધતું હોય છે.

એજયુકેશન મેળવવા માટે કે જયા જવા હંમેશા આજનું યુવાધન આતુર હોય છે તેવી અમેરીકાની યુનિવર્સિટીઓમાં આ વર્ષે શિક્ષણ મેળવવાની ભારતીય વિદ્યાર્થીઓ માટે ઉજળી તક આવી છે. કોરોનાકાળ વચ્ચે પણ અમેરીકામાં ઉચ્ચ શિક્ષણ લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ એક સારા સમચાર છે.

અંદાજે સવા-દોઢ વર્ષથી કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે હવે મોટાભાગની અમેરીકાની યુનિવર્સિટીઓ દ્વારા આ વર્ષે ઓગસ્ટ મહિનામાં શરૂ થનાર ફોલ સેમેસ્ટરમાં પૂર્ણ સમયના ફીઝીકલ કલાસ(ઓફલાઇન) દ્વારા શિક્ષણ શરૂ કરવા અને વિદેશી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા તૈયારી થઇ ગઇ હોવાનું જાણવા મળે છે. ગયા વર્ષે કોવિડ-૧૯ મહામારીને કારણે પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થયો હતો. પરંતુ હાલમાં અમેરીકાની ઘણી યુનિવર્સિટીઓ અન્ય દેશોના વિદ્યાર્થીઓને નિયમ મુજબ એડમીશન આપવા તૈયાર હોવાનું જાણવા મળે છે.

ઇન્ડો -અમેરીકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC) ગુજરાત એકમના અધ્યક્ષ શૈલેષ ગોયલે જણાવ્યું છે કે તાજેતરમાં લોયોલો મેરીકાઉન્ટ યુનિવર્સિટી તથા યુનિવર્સિટી ઓફ યુ  હેમ્પશાયર દ્વારા કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે તેવી આશા રાખી રહ્યા છે. કોરોના વેકસીનેશનની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે ત્યારે પરિસ્થિતિમાં ઘણો સુધારો છે. જેથી હવે મોટાભાગના વિશ્વ વિદ્યાલયો વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રીત કરશે તેવી સંભાવના છે.

છેલ્લા પખવાડીયા દરમ્યાન અમેરિકાએ તેના દેશમાં શિક્ષણ મેળવવા માંગતા આંતર રાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પ્રવાસ સંદર્ભેમાં કોવિડ ૧૯ ના નિયમોમાં છૂટછાટ જાહેર કરી છે. અમેરિકાના વિદેશ વિભાગે તાજેતરમાં જ જાહેર કર્યુ છે કે ફોલ સેમેસ્ટર (અમેરિકાના શૈક્ષણીક ક્ષત્રની શરૂઆત)માં પોતાનું શિક્ષણ શરૂ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ આ છૂટછાટનો  લાભ લઇ શકે છે.

આમાં ભારત, બ્રાઝીલ, ઇરાન અથવા દક્ષિણ આફ્રિકાના યોગ્ય ઉમેદવારોનો સમાવેશ થઇ શકે છે. એક અંદાજ મુજબ ભારતના પોણા બે લાખ જેટલા વિદ્યાર્થીઓ અમેરિકામાં શિક્ષણ મેળવી રહ્યા છે. વર્ષ ર૦૧૯-ર૦ માં ૧૯૩૧ર૪ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણતા હતાં. ર૦૧૮-૧૯ માં આ સંખ્યા ર૦ર૦૧૪ (બે લાખ ઉપર) જેટલી હતી જયારે ર૦૧૭-૧૮ માં  ૧ લાખ ૯૬ હજાર ઉપર ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા હતી.

કોવિડ ૧૯ મહામારીને કારણે અમેરિકી દૂતાવાસો તથા વાણિજય દુતાવાસો તરફથી સંચાધિત વિઝાની સંખ્યા મર્યાદિત છે. પરંતુ અમેરિકી વિદેશ વિભાગનું કહેવું છે કે અહીં વધારેમાં વધારે અરજીઓનો સફળતા પૂર્વક નિકાલ કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. નવી દિલ્હીમાં અમેરિકી દૂતાવાસ, દૂતાવાસ અને મુંબઇ તથા અન્ય જગ્યાઓ ઉપર વાણીજય દૂતાવાસ મર્યાદિત ક્ષમતા સાથે સતત કામ કરી રહ્યાનું જાણવા મળે છે.

  • ર૦૧૯-ર૦માં અમેરીકાની શૈક્ષણિક સંસ્થાઓને ૧.૮ અબજ ડોલરનું નુકશાન

અમેરીકા શૈક્ષણિક હેતુ અર્થે વિદેશી વિદ્યાર્થીને આવકારવા ઉત્સુક છે કારણે આ વિદ્યાર્થીઓ અમેરીકાની અર્થવ્યવસ્થામાં ઉપયોગી યોગદાન આપી રહ્યા છે. અમેરીકન કાઉન્સિલ ઓફ એજ્યુકશનના અંદાજ મુજબ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ગેરહાજરીને કારણે શૈક્ષણિક વર્ષ ર૦૧૯-ર૦ર૦ માં અમેરીકાની શૈક્ષણિક સંસ્થાઓને ૧.૮ અબજ ડોલરનું નુકશાન થયું છે.

  • અમેરીકામાં ચીન પછી બીજા નંબરે ભારતીયો શિક્ષણ લે છેઃ ગુજરાતીઓ પણ મોખરે
  • - જાન્યુઆરી ર૦ર૧ માં ર૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અમેરીકા ગયાઃ  હાઇબ્રીડ પ્રોગ્રામમાં જવાવાળા વધુ

ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ એકસચેન્જના ઓપન કોર્સ ર૦ર૦ ના રીપોર્ટ મુજબ ર૦૧૯-ર૦ માં ૧.૯૩ લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓએ ભણવા માટે અમેરીકાની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવ્યો હતો. શિક્ષણ માટે અહીં આવનારાઓમાંનો સમાવેશ થાય છે. અહી લગભગ ૧૮ ટકા જેટલા ભારતીય વિદ્યાર્થીઓ છે. દર વર્ષે ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અમેરીકા ભણવા માટે જઇ રહ્યા છે.

અમદાવાદના કન્સલટન્ટ-નિર્દેશક કવિતા પારીખ જણાવે છે કે વિદેશમાં શિક્ષણ મેળવવા માટે અમેરીકા ભારતીય વિદ્યાર્થીઓ માટે પ્રથમ પસંદ છે. મોટાભાગના વિદ્યાર્થીઓ હાઇબ્રીડ પ્રોગ્રામનો વિકલ્પ પસંદ કરે  છે કે જેમાં આંશિક-રૂપે ઓનલાઇન તથા આંશિકરૂપે વ્યકિતગત (ઇન-પર્સન) શિક્ષણ આપવામાં આવે છે. જાન્યુઆરી ર૦ર૧માં ર૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અમેરીકા મોકલ્યા હોવાનું જણાવાયું હતુ઼.

(3:20 pm IST)