Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

મા આનંદ મધુએ ૧૪ વર્ષ સુધી મૌન ધારણ કરેલ

ઓશો રજનીશના પ્રથમ સન્યાસીની મા આનંદ મધુ (ધર્મિષ્ઠાબેન શાહ) નો ૮૮ વર્ષની વયે દેહ વિલય : તેઓ પૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજીભાઇ દેસાઇના ભત્રીજી હતાઃ મહેસાણા જીલ્લામાં આદિવાસી દિકરીઓ માટે અભ્યાસ-હોસ્ટેલ સહિતની સુવિધાઓનું નિર્માણ કરેલઃ તા.૨૬ના ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે પુષ્પાંજલી-હૃદયાજંલી કાર્યક્રમ

રાજકોટઃ ઓશો રજનીશના નવસન્યાસ અભિયાનમાં પ્રથમ સન્યાસીની મા આનંદ મધુએ તા.૧૮ના રોજ સવારના ૫:૫૫ વાગે સંપૂર્ણ જાગૃતિ પૂર્વક દહેરાદુન ખાતે આવેલ ઓશો રીસોર્ટમાં દેહત્યાગ કરેલ છે. તેઓનું સંસારી નામ ધમિષ્ઠાબેન શાહ હતુ. તેઓની ઉંમર ૮૮ વર્ષની હતી તેઓએ ઓશો પાસે પ્રથમ દિક્ષા ગ્રહણ કરેલ તેઓએ ઋષિકેશમાં ગંગાને કિનારે રહીને ૧૪ વર્ષ મૌન ધારણ કરેલ. તેઓએ પ્રથમ મહેસાણા જીલ્લાના આજોલ ગામમાં પોતાના નિવાસ સ્થાનમાં ૬ મહિના મૌન ધારણ કરેલ અને પછી મૌનમાં નિકંમન અવસ્થામાં  ઋષિકેશ ગયા હતા. મૌન પૂર્ણ થયા પછી તેઓ જરૂરીયાત પુરતો જ વાણીનો ઉપયોગ કરતા.

ઓશોનું પ્રથમ કમ્યુન વિશ્વનીંદ તેમના નિવાસેથી જ શરૂ કરેલ ઓશોના પ્રચાર-પ્રસાર કાર્ય માટે તેઓ ૧૦ વ્યકિતની મંડળી લઇને ૩ વર્ષ પુરા હિન્દુસ્તાન માં ફરેલ હતા. ઓશોની મુવમેન્ટમાં તેઓનું આગવુ સ્થાન હતુ. આ કિર્તન મંડળીમાં એ સમયે રાજકોટના જુના સન્યાસીની મા યોગ નિવેદીતા (રમાબેન કામદાર) સહભાગી થયેલ આ સહભાગીના તેમના માટેે સુવર્ણ અવસર બની ગયો.

ઓશોના સન્યાસી બન્યા પહેલા પણ તેઓ શ્રીમદ રાજચંદ્રના ઇડર આશ્રમમાં મૌન તપ કરતા નિર્ભયતા, નિડરતા સંકલ્પ અને સજાગતાનો તેનામાં ગજબ સુમેળ હતો.

તેઓશ્રી સ્વ. મોરારજીભાઇ દેસાઇ (ભારતના પૂર્વ પ્રધાનમંત્રી)ના ભત્રીજી હતા. મહેસાણા જીલ્લામાં આવેલ ગામમાં આદિવાસી દિકરીઓ માટે પ્રથમકક્ષાથી એસએસસી સુધીની તથા હોસ્ટેલ સહિતની સંસ્કારતીર્થ નામની સંસ્થાનું તેમણે નિર્માણ કરેલ.

તેઓ એક જીવંત ચેતના  હતા અને વર્તમાનમાં જીવતા યોગી હતા તેઓની વિદાયથી ઓશો જગતને એક પીઢ સાધકની ઉંડી ખોટ પડેલ છે. તેઓની ખ્યાતિ એટલી હતી કે મુલાકાતના સમયે દુર-દુરથી લોકો ઋષિકેશ ખાતે આવેલ તેમના ગુજરાતી આશ્રમમાં તેમને મળવા આવતા હતા.

ઓશો જગતમાં મૃત્યુને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. જેના અનુસંધાને મા આનંદ મધુનો ઉત્સવ તથા પુષ્પાંજલી સાથે હૃદયાજંલીના કાર્યક્રમ તા.૨૬ને બુધવારના રોજ (બુધ્ધપુર્ણિમાં) ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર આયોજન કરવામાં આવેલુ છે. જેનુ આયોજન પૂ.મા યોગ નિવેદીતા તથા સ્વામી સત્યપ્રકાશે કરેલ છે.

મા આનંદ મધુ સાથે મા યોગ નિવેદીતા વર્ષાે સુધીના અતૂટ નાતો રહેલો છે. બંને ઉમરમાં તથા ઓશો સન્યાસીની સમકક્ષ હોવાથી છેલ્લે સુધી ટેલીફોન પર અવાર નવાર વાતચીત થતી અને એકબીજાના સંપર્કમાં રહેતા એજ રીતે રાજકોટની બે સન્યાસીની મા મુકતા તથા દિવ્યાનો દહેરાદુન ખાતે આવેલ આશ્રમ ઓશો બૌધિસત્વ કોમ્યુન પર મા આનંદ મધુ અવાર નવાર જતા માં મુકિત જણાવે છે કે દહેરાદુનથી ઋષિકેશમાં આનંદ મધુનુ શરીર લઇ ઋષિકેશ ખાતે ઓશો સન્યાસીઓ દ્વારા કિર્તન કરી ઉત્સવ મનાવી માં આનંદ મધુની અંતિમ યાત્રા નિકળી હતી.

માં યોગ નિવેદીતા તથા સ્વામી સત્યપ્રકાશ

(3:23 pm IST)