Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

'ચક ફેની' એક અબજોપતિ જેણે આપ્યું, લગભગ ૬૬ હજાર કરોડનું દાન

ચક ફેનીએ જરૂર પુરતા ૨૦ ડોલર તેની પાસે રાખ્યા છે, ભાડાના મકાનમાં રહે છે. તેમની પાસે પોતાની કોઇ કાર નથી. એક જ જોડી બુટ પહેરે છે. એટલું જ નહીં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરે છે : આ ૮૯ વર્ષીય અમેરિકન ઉદ્યોગપતિએ વિશ્વભરમાં ૪૦ વર્ષમાં ૯ બિલિયન અમેરિકી ડોલર (લગભગ ૬૬ હજાર કરોડ રૂપિયા) દાન કરીને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે : ચક ફેનીએ ૧૦ દેશોમાં ૩૦૦ જણાનો સ્ટાફ એટલા માટે રાખ્યો કે તેઓ તેમના ધનને લોકોના પરોપકાર માટે વહેંચી શકે : ફેનીને તેની ગુપ્તતા અને સફળતા માટે 'પરોપકારનો જેમ્સ બોન્ડ' કહેવામાં આવે છે. : ૭ નવેમ્બર, ૧૯૬૦ ના રોજ ડ્યુટી ફ્રી શોપર્સ ગ્રુપ (ડીએફએસ ગ્રુપ) ની સ્થાપના કરી : ફેની વિશ્વભરના મુસાફરોને લકઝરી ડ્યુટી-મુકત માલ વેચીને પૈસા કમાણા પરંતુ તેઓ કયારેય પૈસાની જાળમાં ફસાયા નહીં : ચક ફેની કહે છે, જયારે તેઓ મૃત્યુ પામે ત્યારે તેની પાસે એક રૂપિયો પણ ન હોવો જોઇએ. : ૧૯૮૨ થી લઇ ૧૯૯૬ સુધી અરબો-ખરબો ડોલર તેઓ સતકાર્યોમાં વાપરતા રહ્યા

અબજોપતિ બનવું એ આપણામાંના મોટાભાગના લોકોનું જીવનનું સૌથી મોટું લક્ષ્ય હશે, પરંતુ ખૂબ જ ઓછા લોકો આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સક્ષમ બને છે. કદાચ તમે અબજોપતિ બની જાવ અને તો શું તમારી બધી સંપતિ કોઇને દાનમાં આપી શકો? સાહેબ એના માટે છપ્પનની છાતી પણ ટુંકી પડે હો! જોકે આ દુનિયાનો કળયુગનો કર્ણ કહેવાતા ચાર્લ્સ ફ્રાન્સિસ ફેની ઉર્ફે ચક ફેનીએ માત્ર આ સ્વપ્ન જોયું જ નહીં, પણ તેને જીવ્યું પણ્ ખરૂ. પરંતુ તે માત્ર અબજોપતિ બનીને સંતોષ પામ્યા નહીં. તેથી તેણે પોતાના માટે બીજું લક્ષ્ય નક્કી કર્યું અને એ હતું તેની તમામ સંપતિ દાન કરવાનું! નવાઇ લાગી ને!? પણ આ હકીકત છે. ચક ફેની એ માત્ર લક્ષ્ય નક્કી કર્યું એટલું જ નહીં તેણે એવું પણ નક્કી કર્યું કે જયારે તેઓ મૃત્યુ પામે ત્યારે તેની પાસે એક રૂપિયો પણ ન હોવો જોઇએ. કળયુગના આ કર્ણએ તે સાબિત પણ કરી બતાવ્યું. છેલ્લા ૪૦ વર્ષથી તે દાન કરતા આવ્યા છે અને તે સીલસીલો હજી પણ ચાલું જ છે. તેમણે ૧૦ દેશોમાં ૩૦૦ જણાનો સ્ટાફ એટલા માટે રાખ્યો કે તેઓ તેમના ધનને વહેંચી શકે. છેલ્લા ૪૦ વર્ષથી આ સ્ટાફે માત્ર આજ કાર્ય કર્યુ. છેલ્લા ૫૦૦૦ વર્ષમાં આનાથી મોટો કોઇ ગુપ્ત દાની થયો નથી.

'ચાર્લ્સ ફ્રાન્સિસ ફની'નો જન્મ (જન્મ ૨૩ એપ્રિલ, ૧૯૩૧) મહા મંદિ દરમિયાન ન્યુ જર્સીના એલિઝાબેથમાં આઇરિશ-અમેરિકન માતાપિતાની સાધારણ પૃષ્ઠભૂમિમાંથી થયો હતો. તેની માતા હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી અને તેના પિતા વીમા અન્ડરરાઇટર હતા. ચક ફેની એક આઇરિશ-અમેરિકન ઉદ્યોગપતિ અને પરોપકારી છે, જેમણે ડ્યુટી ફ્રી શોપર્સ ગ્રુપના સહ-સ્થાપક તરીકે પોતાનું નસીબ બનાવ્યું છે. તે એટલાન્ટિક ફિલાન્ટ્રોપિઝ (એટલાન્ટિક પરોપકાર) ના સ્થાપક છે, જે વિશ્વની સૌથી મોટી ખાનગી સખાવતી પાયામાંની એક કંપની છે. આ ૮૯ વર્ષીય અમેરિકન ઉદ્યોગપતિએ વિશ્વભરમાં ૯ બિલિયન અમેરિકી ડોલર (લગભગ ૬૬ હજાર કરોડ રૂપિયા) દાન કરીને પોતાનું આ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. ફેનીને તેની ગુપ્તતા અને સફળતા માટે 'પરોપકારનો જેમ્સ બોન્ડ' કહેવામાં આવે છે. ફેનીએ સૌપ્રથમ તેના અંગત ફાઉન્ડેશન એટલાન્ટિક પરોપકારના માધ્યમ દ્વારા ઉત્ત્।રી આયર્લેન્ડને ૫૭૦ મિલિયનનું દાન આપ્યું હતું. તે પ્રસિધ્ધિમાં માનતા નહીં. તેમણે કેટલાય મોટા દાન કર્યા છતાં પ્રસિધ્ધિથી દૂર રહ્યા. (જયારે આપણા નેતાઓ માસ્ક, સેનેટાઇઝર, ઓકિસજનના બાટલા હોય કે ગ્રાન્ટ આપતા હોય તેઓની પ્રસિધ્ધિની ભૂખ કયારેય સંતોષાતી નથી). ફેનીએ ઘણા વર્ષોથી પોતાનું નામ ગુપ્ત રાખ્યું, પણ વ્યવસાયના વિવાદના પરિણામે ૧૯૯૭માં તેની ઓળખ પ્રગટ થઈ હતી.

ફેની ૧૯૪૯ માં એલિઝાબેથની સેન્ટ મેરીમાંથી એસિપ્શન હાઇ સ્કૂલમાંથી સ્નાતક થયા. તેમની સેવાભાવી ભાવનાનો શ્રેય તેમણે સેન્ટ મેરી ખાતેના તેમના શિક્ષણ ને આપ્યો છે. તેમણે કોર્નેલ યુનિવર્સિટી સ્કૂલ ઓફ હોટલ એડમિનિસ્ટ્રેશનમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે કોરિયન યુદ્ઘ દરમિયાન યુ.એસ. એરફોર્સમાં રેડિયો ઓપરેટર તરીકે કાર્યની શરૂઆત કરી હતી અને ૧૯૫૦ ના દાયકામાં ભૂમધ્ય બંદરો પર યુ.એસ. નૌકાદળના જવાનોને ડ્યુટી ફ્રિ દારૂ વેચવાથી કારકિર્દીની શરૂઆત કરી હતી. પછીથી તેઓએ કાર અને તમાકુનું પણ વેચાણ કર્યું અને ૭ નવેમ્બર, ૧૯૬૦ ના રોજ ડ્યુટી ફ્રી શોપર્સ ગ્રુપ (ડીએફએસ ગ્રુપ) ની સ્થાપના કરી. ફેની વિશ્વભરના મુસાફરોને લકઝરી ડ્યુટી-મુકત માલ વેચીને પૈસા કમાણા. પરંતુ તેઓ કયારેય પૈસાની જાળમાં ફસાયા નહીં. એક સમયે ઢગલા મોઢે કમાણા પછી તેમને લાગ્યું કે મારે મારી કમાણી લોકોની મદદ કરવામાં વાપરવી જોઇએ. એ વિચાર મૂર્તિમંત થયો અને ફેનીએ નક્કી કરેલા ધ્યેય મુજબ ૧૯૮૨ માં તેમણે એટલાન્ટિક પરોપકારની સ્થાપના કરી, જેનો હેતુ વિશ્વભરમાં મદદ કરવાનો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ આરોગ્ય, શિક્ષણ, શાંતિ અને માનવાધિકાર ક્ષેત્રે કામ કરવાનો હતો. જેમાં ૬૬૦૦૦ કરોડ ટ્રાન્સ્ફર પણ કર્યા. તેઓ મૂળ આઇરીશ હતા અને આયર્લેન્ડ ગયા અને ત્યાં લુમરિક યુનિવર્સિટી બનાવરાવી પણ શરત સાથે! શરત એ હતી કે તેમનું નામ કયાંય આવવું જોઇએ નહીં. ૧૯૮૨ થી લઇ ૧૯૯૬ સુધી અરબો-ખરબો ડોલર તેઓ સતકાર્યોમાં વાપરતા રહ્યા. વિયેતનામ માં ૯૦૦ હોસ્પીટલમાં પૈસા આપ્યા, તાઇવાનમાં પૈસા આપ્યા, સાઉથઆફ્રિકામાં એઇડ્સ સામે લડવા જબરા પૈસા દાનમાં આપ્યા.

ચક ફેનીએ પરોપકારી મિશનના પ્રથમ ૧૫ વર્ષો માટે ગુપ્ત રીતે દાન આપ્યું. ૧૯૯૬ માં તેમણે પોતાની કંપનીના કેટલાક શેર ફ્રાન્સની કંપનીને વેંચ્યા ત્યારે દુનિયાને ખબર પડી કે આ વ્યકિત તેના પૈસા લોકોની સેવા પાછળ ખર્ચી રહી છે, દાન કરી રહી છે. ત્યારે ચક ફેનીએ તેની ટીમને બોલાવી કહ્યું કે, મારી પાસે જેટલું ધન છે તે ૨૦૧૬ સુધીમાં ખર્ચ કરી નાંખો! ત્યારે હિસાબ મંડાણો કે જો રોજના ૮ કરોડ રૂપિયા આપણે દાનમાં આપશું તો ૨૦૧૬ માં તે પુરા થશે. ચક ફેનીને જોઇ બીલ ગેટ્સ અને વોર્ન બફેટ તેની પાસે ગયા. ચક ફેની પાસેથી પ્રેરણા લઇ વોર્ન બફેટે તેના વિલમાં ૯૯% પબ્લિકના સેવાકિય કાર્યમાં આપવાનો નિર્ધાર કર્યો. ચક ફેની આજે પણ એકદમ સરળ જીવન જીવી રહ્યા છે. જરૂર પુરતા ૨૦ ડોલર તેની પાસે રાખ્યા છે, ભાડાના મકાનમાં રહે છે. તેમની પાસે પોતાની કોઇ કાર નથી. એક જ જોડી બુટ પહેરે છે. એટલું જ નહીં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરે છે. ચક ફેનીનું કહેવું છે કે, હું જયારે મૃત્યુ પામું ત્યારે મારી પાસે કંઇજ હોવું જોઇએ નહીં. ચક ફેની દુનિયાના પહેલા એવા વ્યકિત છે જેમણે ૬૬૦૦૦ કરોડ રૂપિયા ગરીબો માટે, લોકોની જરૂરિયાત માટે ખર્ચી નાંખ્યા, દાન કર્યા. ચક ફેનીનો આજ ક્રમ આજે પણ એજ નિઃસ્વાર્થભાવ થી અવિરત ચાલુ જ છે.

શ્રી ફેનીનું જીવનચરિત્ર લખનારા કોનોર ઓ'કલેરીએ કહ્યું છે કે, 'તેઓ કાર્નેગીના પ્રખ્યાત નિબંધ વેલ્થથી ખૂબ પ્રભાવિત હતા, જેમાં કહ્યું હતું કે ધનિક તરીકે મરવું એ કુખ્યાત તરીકે મરવા જેવું છેટ્ટ' ઓ કલેરી ના કહ્યા મુજબ, તેના પાંચ બાળકો (ચાર પુત્રીઓ અને એક પુત્ર) ને તેની માતા (ફેનીની પહેલી પત્ની) દ્વારા પૈસા મળ્યા હતા. ફેનીએ બે વાર લગ્ન કર્યાં છે. તેની પ્રથમ પત્ની ડેનિયલ ફ્રેન્ચ હતી. હાલ ફેની તેની બીજી પત્ની હેલ્ગા કે જે તેમની ભૂતપૂર્વ સચીવ હતી તેની સાથે સાન ફ્રાન્સિસ્કોમાં બે-બેડરૂમના એપાર્ટમેન્ટમાં ભાડે રહે છે અને દાન આપવા માટેના પ્રોજેકટ્સની તપાસ કરવા વારંવાર પ્રવાસ કરતા રહે છે.

ચક ફેનીએ કોને અને કેટલું દાન આપ્યું..?

કવીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટ (કયુબ) ને ફેની દ્વારા સૌથી વધુ દાન આપવામાં આવ્યું છે.

જયાં ૧૯૯૩-૨૦૧૫ ની વચ્ચે ફેનીએ કુલ ૧૩૨ મિલિયન યુ.એસ. ડોલર (લગભગ ૯,૬૭,૧૩,૧૦,૦૦૦ રૂપિયા) નું દાન કર્યું.

એટલાન્ટિક પરોપકાર દ્વારા આપવામાં આવેલું સૌથી મોટું દાન ૨૦૧૨ માં યુનિવર્સિટીના ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ સાઇન્સ સેન્ટર ફોર એકસપેરીમેન્ટલ કેન્દ્રમાં દવાના પ્રયોગ માટે ૨૪ મીલિયન ડોલર જેટલું કરાયું હતું. આ અનુંદાને વિદ્યાર્થીઓના જીવનને બદલી નાખ્યું હતું. અત્યાધુનિક સુવિધાઓથી યુનિવર્સિટીને સુસજ્જ કરાઇ હતી.

ફેનીએ ઉત્તરી આયર્લેન્ડમાં શાંતિ અને એકીકૃત શિક્ષણને પ્રોત્સાહન આપવામાં પણ ખૂબ મદદ કરી છે. એવું માનવામાં આવે છે કે દાયકાઓ દરમિયાન, વિવિધ પ્રોજેકટ્સ માટે ૮ મિલિયન ડોલર ભંડોળ એકીકૃત શિક્ષણને આપવામાં આવ્યું છે. આ સહાયથી ઘણી શાળાઓને ફાયદો થયો છે, જેમાંથી એક મોઇરાની પ્રાથમિક શાળા છે. જેનાં આચાર્ય કહે છે કે એટલાન્ટિક પરોપકારની સહાય વિના આ શાળા અસ્તિત્વમાં ન હોત.

આ ઉપરાંત, અનેક દેશોમાં યુનિવર્સિટી, હોસ્પીટલ્સ, માંદગી, કુદરતી આફતો, ગરીબોને સહાય, શાંતિ સ્થાપના માટે, આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, માનવ અધિકાર ક્ષેત્રે અરબો-ખરબો ડોલરનું દાન આપી દીધું છે.

જોકે જુલાઈ ૨૦૧૭ માં, એટલાન્ટિક ફિલાન્ટ્રોપિઝે એડવાન્સ ફીના કૌભાંડ ઇમેઇલના અસ્તિત્વની નોંધ લીધી હતી, જેમાં વિશ્વવ્યાપી 'રેન્ડમલી પસંદ કરેલા વ્યકિતઓ' ને પૈસા વહેંચવાનો દાવો કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર ૧૪, ૨૦૨૦ ના રોજ, નોનપ્રોફિટ દ્વારા ૨૦૨૦ સુધીમાં તેના બધા પૈસા આપવાનું લક્ષ્યાંક પૂર્ણ કર્યા પછી, ફેનીએ એટલાન્ટિક પરોપકાર કંપનીને બંધ કરી દીધી.

પ્રશાંત બક્ષી

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

(4:04 pm IST)