Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ભવ્ય જહાજમાં સાત રાષ્ટ્રોના વડાઓ માટે ૧૦૦૦ પોલીસ તૈનાત

૧૧ થી ૧૩ જુન દરમ્યાન છે બેઠક : આ આલીશાન શિપમાં ૭ રેસ્ટોરાં, નાઇટ કલબ, લાઇવ મ્યુઝિક માટેનો મંચ તેમ જ સ્પા, બ્યુટી સેલોં સહિત બીજી અનેક સુવિધાઓ છે

નવી દિલ્હી, તા.૧૯: આવતા મહિને G7 (ગ્રુપ ઓફ સેવન)માં આવતા દેશોના વડાઓની મહત્ત્વની મીટિંગ યોજાવાની છે અને એ માટે ઇંગ્લેન્ડમાં કોર્નવોલ ખાતે વિશાળ ક્રૂઝ શિપ સજાવવામાં આવી રહી છે. ટોલિન્ક ગ્રુપના આ ભવ્ય જહાજનો ઉપયોગ સામાન્ય રીતે ફિનલેન્ડ અને એસ્ટોનિયા વચ્ચે પર્યટકોની અવરજવર માટે કરવામાં આવે છે અને એમાં કુલ ૩૧૦૦ લોકો મુસાફરી કરી શકે છે. જોકે થોડા દિવસ માટે એમાં ઇંગ્લેન્ડ ઉપરાંત, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જપાન અને અમેરિકાના પ્રમુખ કે વડા પ્રધાન મહેમાનગતિ માણશે. આ મીટિંગ ૧૧થી ૧૩ જૂન દરમ્યાન યોજાશે. ફોલમાઉથ શહેરના દરિયામાં આ જહાજ મીટિંગ પહેલાંના અને પછીના દિવસો ગણીને કુલ ૧૦ દિવસ ઊભું રખાશે.

આ લકઝરી જહાજમાં વિશ્વના ટોચના ૭ નેતાઓના રક્ષણ માટે કુલ ૧૦૦૦ પોલીસ અધિકારીઓ હાજર હશે. આ આલીશાન શિપમાં ૭ રેસ્ટોરાં, નાઇટ કલબ, લાઇવ મ્યુઝિક માટેનો મંચ તેમ જ સ્પા, બ્યુટી સેલોં સહિત બીજી અનેક સુવિધાઓ છે. જોકે બિયર બાર બંધ રાખવામાં આવશે.

(4:06 pm IST)