Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

મુંબઈના દરિયામાંથી ૨૨ના મૃતદેહ કઢાયા, ૬૭ લાપતા

દરિયામાં ફસાયેલાઓને બચાવવા નૌસેનાની ક્વાયત : અરબી સમુદ્રમાં ફસાયેલા બાર્જ પી૩૦૫માં રહેલા લોકોને બચાવવા નેવી દ્વારા શોધ અને બચાવ કામગીરી હજી ચાલુ

મુંબઈ, તા. ૧૯ : ઈન્ડિયન નેવી દ્વારા દરિયામાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે હાથ ધરવામાં આવેલી બચાવ કામગીરીમાં નૌસેનાએ સફળતાપૂર્વક ૧૮૮ લોકોને બચાવ્યા છે. નેવી દ્વારા અત્યાર સુધી ૨૨ લોકોના દુર્ભાગ્યપૂર્ણ મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે ૬૭ લોકો હજી ગુમ છે. અરબી સમુદ્રમાં ફસાયેલા બાર્જ પી૩૦૫માં રહેલા લોકોને બચાવવા નેવી દ્વારા શોધ અને બચાવ કામગીરી હજી પણ ચાલુ છે. દરિયાની વચ્ચે મોજામાં કલાકો સુધી ફસાયેલા બાર્જ પી૩૦૫ના ક્રૂ મુંબઈના કાંઠે પહોંચ્યા ત્યારે તેમના આંસુ છલકાઈ ગયા. ૧૮૪ લોકોને લઈને ઈન્ડિયન નેવીનું જહાજ આઈએનએસ કોચિ જ્યારે કિનારે પહોચ્યું તો ઓએનજીસીના કર્મચારીઓએ પોતાની ભયાનક આપવીતી મીડિયાને જણાવી હતી. બધા ક્રુ મેમ્બર્સ લાઈફ જેકેટની મદદથી સમુદ્રમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. નેવીનો આભાર માનતા ક્રુના એક સભ્ય રડવા લાગ્યા અને કહ્યું કે, 'તેમનો ખૂબ ખૂબ આભાર. તેમના કારણે જ આજે અમે જીવીત છીએ.

બસમાં બેસતી વખતે ક્રૂના સભ્યોમાંના એકે કહ્યું, 'અમારી હાલત ખૂબ ખરાબ હતી. ભારતીય નૌકાદળ અમને ત્યાંથી પાછા લઈ આવ્યા. આર્મીએ અમને રાત્રે બે વાગ્યે પાણીમાં ડૂબી ચૂકેલા બાર્જથી બચાવ્યા. અમે લોકોએ લગભગ ૧૨ કલાક સુધી રઝળપાટ કર્યો, પરંતુ બચાવવા માટે કોઈ નહોતું. અમે લોકોએ જીવવાની આશા પણ છોડી દીધી હતી. બચવું બહુ મુશ્કેલ હતું. તેઓએ અમને કેવી રીતે બચાવ્યા તે તેઓ જ જાણે છે.

અન્ય વ્યક્તિએ જણાવ્યું કે, અમે લોકો પાંચથી છ કલાક તર્યા અને પછી બેભાન થઈ ગયા. બેભાન હાલતમાં નૌસેનાએ દોરડું ફેંકી અમને બચાવ્યા. હાથ બતાવતા તેમણે કહ્યું કે બચાવ દરમિયાન તેમનો હાથ સહેજ કપાઈ ગયો. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા પી -૩૦૫ ક્રૂ મેમ્બર અમિત કુમાર કુશવાહાએ કહ્યું હતું કે 'જ્યારે બાર્જ ડૂબી રહ્યું હતું ત્યારે મારે દરિયામાં કૂદવું. હું દરિયામાં ૧૧ કલાક રહ્યો. તે પછી નૌસેનાએ અમને બચાવ્યા.

કોચિના કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન સચિન સકેરિયાએ જણાવ્યું હતું કે, *ઇનપુટ્સ મળ્યા હતા કે, મુંબઇથી લગભગ ૩૫-૪૦ માઇલ દૂર બાર્જ પી ૩૦૫ મુશ્કેલીમાં છે, . અમારું જહાજ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થતું આગળ વધ્યું. વાવાઝોડું મુંબઇની પશ્ચિમમાં પસાર થયું હતું.

(7:58 pm IST)