Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

પ્લાઝમા થેરાપી લેનારાને ત્રણ માસ સુધી વેક્સિન નહીં અપાય

કોરોનામાંથી સ્વસ્થ થનારા સંદર્ભે મંત્રાલયનું સૂચન : સંક્રમિત થયા બાદ સ્વસ્થ થયેલા લોકોને ૬થી ૯ મહિના બાદ વેક્સિન અપાશે, રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સે સૂચન મોકલ્યા

નવી દિલ્હી, તા. ૧૯ : કોરોના સંક્રમણ દરમિયાન જે લોકોએ પ્લાઝમા થેરાપી લીધી છે તેમણે વેક્સિન માટે ઓછામાં ઓછા ૩ મહિના સુધી રાહ જોવી પડી શકે છે. તે સિવાય કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ સ્વસ્થ થયેલા લોકોને ૬થી ૯ મહિના બાદ જ વેક્સિન અપાશે. રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને આ પ્રકારના સૂચન મોકલ્યા છે.

કોવિડ ઉપચાર પ્રોટોકોલમાંથી પ્લાઝમા થેરાપી હટાવાયા બાદ વેક્સિનેશન માટે રચવામાં આવેલી રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સે સંક્રમણમાંથી સાજા થનારાઓને વેક્સિન ક્યાં સુધીમાં આપવી તેને લઈ સમીક્ષા બેઠક યોજી હતી જેમાં તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ અંગે પણ લાંબી ચર્ચા કરી હતી.

બેઠકમાં સામેલ એક વરિષ્ઠ સદસ્યએ જણાવ્યું કે, કોરોના સંક્રમણથી સાજા થયા બાદ વ્યક્તિમાં ૯ મહિના સુધી એન્ટીબોડી રહે છે. આ સંજોગોમાં આવી વ્યક્તિએ તેટલા સમય સુધી વેક્સિન લેવાની જરૂર નથી રહેતી. વેક્સિનનો એક ડોઝ લીધા બાદ કોઈ પણ વ્યક્તિમાં એન્ટીબોડી બનવા લાગે છે.

વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ આ એન્ટીબોડી બુસ્ટ થઈ જાય છે અને તેનું સ્તર ૧૦૦ ટકા સુધી પહોંચી જાય છે. જો કોઈ કોરોના સંક્રમણમાંથી સાજુ થાય તો તેના શરીરમાં પહેલેથી જ એન્ટીબોડી હોય છે જે ૬થી ૯ મહિના બાદ ઘટવા લાગે છે. તેવા સમયે તે વ્યક્તિને વેક્સિન આપવામાં આવે તે વધુ અને લાંબા સમય સુધી અસરકારક બની શકે છે.

(8:02 pm IST)