Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

હિસારમાં ૩૦૦થી વધુના અંતિમ સંસ્કાર કરનાર કર્મચારીનું મોત

કોરોના દર્દીની અંતિમવિધિ કરતી ટીમનું નેતૃત્વ કર્યું હતું : કોર્પોરેશનના કર્મીનું કોરાનાથી જ મોત થતાં શોકનું મોજું

હિસાર, તા. ૧૯ : ૩૦૦થી વધુ કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર કરાવનારા કોરોના વોરિયર અને હિસાર મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી પ્રવીણ કુમાર (૩૩)નું કોરોનાથી મૃત્યુ થયું છે. તેઓ ગયા વર્ષે કોરોના રોગચાળો ફાટી નીકળ્યા બાદ આ વાયરસથી મોતને ભેટતા દર્દીઓનું અંતિમ સંસ્કાર કરવા માટે સંસ્થાની ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. સોમવારે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાના માત્ર બે દિવસમાં જ તેમનું મૃત્યુ થતાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મંગળવારે અહીંના ઋષિનગર સ્મશાન ગૃહ ખાતે કોરોનાની ગાઈડલાઈન મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હિસારના મેયર ગૌતમ સરદાણા અને મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર અશોકકુમાર ગર્ગ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને તેમની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કુમારના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રો છે, જેમાંથી એક એમસી કર્મચારી જ્યારે બીજો વિદ્યાર્થી છે. સંયુક્ત કુટુંબનો હોવાથી કુમાર તેના ભાઇઓ અને તેમના પરિવાર સાથે એક જ મકાનમાં રહેતા હતા અને તેના ચાર ભાઈઓમાંથી બે ભાઈઓ મહાનગરપાલિકામાં નોકરી કરે છે.

પ્રવીણ કુમાર હિસાર મ્યુનિસિપલ કોર્પોરેશન કર્મચારી યુનિયનના અધ્યક્ષ પણ હતા. તેમને શ્રદ્ધાંજલિ આપતા હિસારના એમસીના પ્રવક્તા સુનિલ બેનીવાલે કહ્યું: તેમણે ગયા વર્ષથી કોવિડ-પોઝિટિવ દર્દીઓના ૩૦૦ જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા હતા. બે દિવસ પહેલા તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. જ્યાં ઓક્સિજન લેવલ ડાઉન થતાં તેમનું મોત નીપજ્યું હતું.મેયર ગૌતમ સરદાનાએ જણાવ્યું હતું કે પ્રવીણ તેમના બાળપણના મિત્ર હતા, તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ એક ગાઢ મિત્રને ગુમાવી ચૂક્યા છે. હરિયાણા સર્વ કર્મચારી સંઘના ડિસ્ટ્રિક્ટ લીડર સુરેન્દ્ર માને કહ્યું કે કર્મચારીઓના નેતા હોવા ઉપરાંત પ્રવીણ કુમાર એક સાચા કોરોના વોરિયર હતા.

હિસાર સંઘર્ષ સમિતિના વડા જીતેન્દ્ર શેઓરાને દાવો કર્યો છે કે, 'કુમારના પરિવારજનોને રવિવારે હોસ્પિટલમાં બેડ મેળવવામાં ત્રણ કલાકનો સમય લાગ્યો હતો જેના કારણે તેમનુ ઓક્સિજનનું સ્તર પણ ઘટીને ૪૦ થઈ ગયું હતું. જીતેન્દ્રએ વધુમાં ઉમેર્યું કે, કુમારની હાલતની સતત બગડવા લાગી છતાંય હિસાર એડમિનિસ્ટ્રેશન એક બેડની પણ વ્યવસ્થા ન કરી શક્યું.'

જો કે, હિસાર એમસી કે જિલ્લા વહીવટી અધિકારીઓ દ્વારા આ આરોપો અંગે કોઈ પ્રતિક્રિયા મળી નથી. આ સંદર્ભે કુમારના પરિવારજનોનો પણ સંપર્ક થઈ શક્યો નથી. હવે એવી પણ માંગ ઉઠી રહી છે કે, પાલિકાની એક વિંગને કુમારનું નામ આપીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરવામાં આવે. ઉપરાંત કુમારને શહીદનો દરજ્જો આપવો જ જોઇએ અને તેમના કુટુંબમાંથી એકને સરકારી નોકરી અને અન્ય જરૂરી મદદ આપવામાં આવે તેવી તેમના સમર્થકો દ્વારા માગ કરવામાં આવી છે.

(8:56 pm IST)