Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

કેજરીવાલ સરકારને મોટો ઝટકો :દિલ્હી હાઈકોર્ટે ઘર ઘર રેશન યોજના અટકાવી

કહ્યું- કેન્દ્રની યોજનાથી ન ચલાવી શકાય ઘર ઘર રેશન યોજના બીજી કોઈ યોજના લાવવાનો આદેશ: દિલ્હી રાશન ડીલર્સ યુનિયને આ યોજનાનો વિરોધ કરતા હાઈકોર્ટ નું શરણું લીધું હતું

નવી દિલ્હી : દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે રાશનની હોમ ડિલિવરી માટે લાવવામાં આવેલી 'મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજના' રદ કરી દીધી છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વિપિન સાંઘી અને ન્યાયાધીશ જસ્મિન સિંહે આ ચુકાદો આપ્યો હતો.

જસ્ટિસ  વિપિન સાંઘી અને જસ્ટિસ જસ્મિન સિંહની ખંડપીઠે એવું પણ કહ્યું કે દિલ્હી સરકાર ઘરે ઘરે રાશન પહોંચાડવા માટે બીજી યોજના લઈને આવી શકે છે. પરંતુ તે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા અનાજમાંથી આ યોજના ચલાવી શકશે નહીં. દિલ્હી સરકારના રેશન ડીલરો અને દિલ્હી રાશન ડીલર્સ યુનિયને આ યોજનાનો વિરોધ કરતા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટે જાન્યુઆરીમાં ચુકાદો અનામત રાખ્યો હતો.

ઉલ્લેખનીય છે કે દિલ્હીના એલજી અનિલ બૈજલે આમ આદમી પાર્ટી (આપ) સરકારની ડોર ટુ ડોર રાશન યોજના પર રોક લગાવી દીધી હતી. આ યોજના હેઠળ કેજરીવાલ સરકારે રાશનની હોમ ડિલિવરીનું વચન આપ્યું હતું. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે રેશન માટેની વાજબી ભાવની દુકાનો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમનો અભિન્ન ભાગ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે અનિલ બૈજલે બુધવારે ઉપરાજ્યપાલ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે અંગત કારણસોર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાજીનામું સુપ્રત કર્યું હતું. 

(6:09 pm IST)