Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

કોંગ્રેસમાં કકળાટ વચ્ચે રાહુલ ગાંધી બ્રિટન જવા થયા રવાના: સોમવારે કોન્ફ્રન્સને કરશે સંબોધન

રાહુલ ગાંધી આઈડિયાઝ ઓફ ઈન્ડિયા કોન્ફરન્સને સંબોધિત કરશે:ભારતીય સમુદાયને મળવાનો પણ કાર્યક્રમ

નવી દિલ્હી : ગુજરાતમાં કોંગ્રેસને મળેલા ઝટકા વચ્ચે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે લંડન જવા રવાના થયા છે. અહીં તેઓ 23 મેના રોજ આઈડિયાઝ ઓફ ઈન્ડિયા કોન્ફરન્સને સંબોધિત કરશે. તેમનો ભારતીય સમુદાયને મળવાનો પણ કાર્યક્રમ છે. આ માહિતી કોંગ્રેસના મીડિયા વિભાગના વડા અને પાર્ટીના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ આપી હતી.

રાહુલ ગાંધી ગુરુવાર સાંજ સુધીમાં લંડન પહોંચી જશે. કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ અને પ્રિયંક ખડગે પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. કોવિડ-19 મહામારી વચ્ચે મુસાફરીને લઈને સામાન્ય સ્થિતિ બાદ રાહુલ ગાંધીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે.

રાહુલ ગાંધી એવા સમયે લંડન જઈ રહ્યા છે જ્યારે કોંગ્રેસ ઘણા રાજ્યોમાં અંદરોઅંદર લડાઈ લડી રહી છે. હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે, જેના માટે ભાજપે તૈયારીઓ તેજ કરી દીધી છે. ત્રણ વર્ષ પહેલા પાટીદાર અનામત આંદોલનમાંથી ઉભરીને કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલે બુધવારે પક્ષમાંથી રાજીનામું આપી દીધુ હતું

તાજેતરમાં કોંગ્રેસના ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે લાંબી વાતચીત થઈ હતી. પરંતુ તેમણે પાર્ટી કમિટીમાં જોડાવાની ઓફર ઠુકરાવી દીધી હતી. તાજેતરમાં કોંગ્રેસે રાજસ્થાનના ઉદયપુરમાં ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું, જેમાં 2024ની લોકસભા ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત કરવા માટે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો.

(7:10 pm IST)