Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

હવે સંસદીય સમિતિએ પણ ટ્વીટરને ફટકાર લગાવી : કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ કેમ ન કરવો ?

સમિતિએ કહ્યું કે દેશનો કાયદો સર્વોપરી છે, તમારી નીતિનો નહિ

નવી દિલ્હી : દેશના માહિતી ટેકનોલોજી(IT)ના નિયમોને લઈને કેન્દ્ર સરકાર અને Twitter વચ્ચેના વિવાદ દરમ્યાન શુક્રવારે માઇક્રો બ્લોગિંગ સાઇટના અધિકારીઓ કોંગ્રેસના સાંસદ શશી થરૂરની અધ્યક્ષતાવાળી સંસદીય સમિતિ સમક્ષ હાજર થયા. આ દરમિયાન સમિતિએ કંપનીના અધિકારીઓને ઠપકો આપ્યો હતો. ટ્વિટર વતી ગોપનીયતા નીતિનો ઉલ્લેખ કરતા સમિતિએ કહ્યું કે દેશનો કાયદો સર્વોપરી છે, તમારી નીતિનો નહિ.

   ઇન્ફર્મેશન ટેક્નોલોજી પરની સંસદીય સમિતિના સભ્યોએ Twitter ને પૂછ્યું કે, દેશના કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ કેમ ન કરવો જોઈએ. કેન્દ્ર સરકારે આ મહિનાની શરૂઆતમાં ટ્વિટરને તાત્કાલિક નવા આઇટી(IT)નિયમોનું પાલન કરવાની છેલ્લી તક આપતા નોટિસ ફટકારી હતી અને ચેતવણી આપી હતી કે જો નિયમોનું પાલન નહિ કરવામાં આવે તો પ્લેટફોર્મને આઇટી(IT)એક્ટ હેઠળ જવાબદારીમાંથી મુક્તિ આપવામાં આવશે નહીં.

   ઇન્ફર્મેશન ટેક્નોલોજી પરની સંસદીય સ્થાયી સમિતિએ ગયા અઠવાડિયે પ્લેટફોર્મના દુરૂપયોગ અને નાગરિકોના હક્કોના રક્ષણ સહિતના મુદ્દાઓ પર Twitterને સમન્સ પાઠવ્યું હતું. શુક્રવારે Twitterઇન્ડિયાના પબ્લિક પોલિસી મેનેજર શગુફ્તા કામરાન અને કાનૂની સલાહકાર આયુષિ કપૂરે સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો

   છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્ર અને Twitter વચ્ચે ઘણા વિષયો પર તકરાર ચાલી રહી છે. થોડા દિવસ પહેલા જ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સહિતના સંગઠનના ઘણા વરિષ્ઠ અધિકારીઓના ટ્વિટર એકાઉન્ટનું ‘બ્લુ ટિક’ હટાવ્યા બાદ ટ્વિટર પણ વિવાદમાં આવી ગયું હતું. જો કે વિવાદ બાદ ટ્વિટરે આ બ્લ્યુ ટીક ફરી એક્ટિવ કરી દીધું હતું.

(12:00 am IST)