Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

લક્ષદ્વીપ અને દીવ-દમણના પ્રશાસક પ્રફુલ પટેલની સુરક્ષા વધારાઈ :કેન્દ્રીય દળના કમાન્ડોનો રહેશે ઘેરો

હવે તેઓને સમગ્ર ભારતમાં Y+ સુરક્ષા એસ્કોર્ટ કવર સાથે સુરક્ષા પુરી પાડવામાં આવશે

નવી દિલ્હી :લક્ષદ્વીપ અને દીવ-દમણના પ્રશાસક પ્રફુલ પટેલની સુરક્ષામાં કેન્દ્રીય ગૃહ વિભાગે વધારો કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પ્રફુલ પટેલની સુરક્ષામાં વધારો કરતો નિર્ણય કર્યો છે. જે મુજબ હવે તેઓને સમગ્ર ભારતમાં Y+ સુરક્ષા એસ્કોર્ટ કવર સાથે સુરક્ષા પુરી પાડવામાં આવશે. ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન હાલમાં દીવ-દમણ, દાદરાનગર અને લક્ષદ્વીપના એડમીનીસ્ટ્રેટર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.

 પ્રફુલ પટેલે હાલમાં જ લક્ષદ્વીપમાં મધ્યાહન ભોજનમાં બીફ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો હતો. જેને લઈને તેમની સામે વિરોધનો વંટોળ પેદા થયો હતો. જોકે તેઓ બીફ બંધ રાખવાના નિર્ણય પર અડગ રહ્યા હતા. આ ઉપરાંત તેઓએ લક્ષદ્વીપમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે બાળકો ધરાવતા ઉમેદવારોને ચૂંટણી લડવા અંગે પણ સુધારો કર્યો હતો. તેમજ ગુંડા એક્ટને અમલ કરવા કાર્યવાહી કરી હતી. સાથે જ પ્રવાસ વિકાસ કરવાના નિર્ણયો હાથ ધર્યા હતા. જેને લઈને તેમની સામે વિરોધનો સુર વ્યક્ત થવા લાગ્યો હતો.

પ્રશાસક પ્રફુલ પટેલે લીધેલા નિર્ણયોને લઈ વિરોધ કરવાને લઈને આમ પણ તેમની સુરક્ષાને લઈને ચુસ્તતા દાખવવામાં આવી રહી હતી. આ દરમ્યાન હવે કેન્દ્રીય ગૃહ વિભાગે તેમની સુરક્ષાને વધારી દેવા માટેનો નિર્ણય કર્યો છે. આમ હવે તેઓને કેન્દ્રીય સુરક્ષા દળ દ્વારા સુરક્ષા પુરી પાડવામાં આવશે. તેમની સુરક્ષા કેટગરી હવે Y+ કરી દેવા સાથે જ તેમને CRPF દ્વારા એસ્કોર્ટ કવર સુરક્ષા પુરી પાડવામાં આવશે.

(12:41 am IST)