Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

જમ્મુ-કાશ્મીરને લઇને 'મોટી' રાજકીય હલચલઃ ૨૪મીએ મોદીએ બોલાવી સર્વપક્ષીય બેઠક

વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચાની સંભાવના

નવી દિલ્હી, તા.૧૯: કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે વડાપ્રધાન એક બાદ એક રાજયોના મુખ્યમંત્રીને મળી રહ્યા છે, એવામાં હવે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૨૪ મી જૂને કાશ્મીરી નેતાઓ સાથે દિલ્હીમાં સર્વદળીય બેઠક લઈ શકે છે. મળતી માહિતી મુજબ આ બેઠક માટે કાશ્મીરી પક્ષોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. પાર્ટીના એક નેતાએ  કહ્યું છે કે મીટિંગમાં ભાગ લેવો કે નહીં, ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે. જણાવી દઈએ કે શુક્રવારે જ ગૃહ પ્રધાન અમિતભાઇ શાહે કાશ્મીરમાં વિકાસ કાર્યો અને સુરક્ષા વ્યવસ્થાને લગતી બેઠક યોજી છે. વડાપ્રધાન રાજયમાં વિધાનસભાની ચૂંટણી અંગે વિવિધ પક્ષો સાથે ચર્ચા કરે તેવી સંભાવના છે.

બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના ઉચ્ચ અધિકારીઓ અને ગૃહ મંત્રાલયને મહત્વપૂર્ણ સૂચના આપી છે. તેમણે કહ્યું છે કે રાજયમાં હાજર શરણાર્થીઓને સરકારની યોજનાઓ હેઠળ લાભ આપવો જોઇએ. તેમણે કહ્યું કે મોદી સરકારની યોજનાઓએ જમ્મુ-કાશ્મીરનો સર્વાંગી વિકાસ કર્યો હતો.ગૃહમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી કે લોકોનો સર્વાંગી વિકાસ એ મોદી સરકારની પ્રાથમિકતા છે. તેમણે વિકાસના કામોની સમીક્ષા કરી. આ દરમિયાન ગૃહમંત્રીએ જમ્મુ-કાશ્મીરના ઉપરાજયપાલને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે કાશ્મીરમાં ૭૬% રસીકરણ કરવામાં આવ્યું છે અને ૪ જિલ્લામાં ૧૦૦% રસીકરણ કરવામાં આવ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં મોટા પાયે કૃષિ આધારિત ઉદ્યોગો સ્થાપવા જોઈએ અને આ આધાર પર લોકોને રોજગાર મળવો જોઈએ. ગૃહમંત્રીએ રોજગાર સંબંધિત યોજનાઓને લોકો સુધી પહોંચાડવા આ સૂચના આપી છે. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા પણ હાજર હતા.જમ્મુ-કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિને લઈને ગૃહ મંત્રાલયની આજે બીજી ઉચ્ચ સ્તરીય બેઠકમાં. મળતી માહિતી મુજબ અમરનાથ યાત્રા ફરી શરૂ કરવા અને રાજયમાં ચૂંટણી યોજવા અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ગૃહ સચિવ અજય ભલ્લા અને એનએસએ અજિત ડોભાલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ સહિત અન્ય એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

(10:18 am IST)