Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

સેન્ટ્રમ ફાઇનાન્સને PMC બેન્ક હસ્તગત કરવા લીલીઝંડી

ડિપોઝિટર્સનાં નાણાં છૂટાં થવાની શકયતા

મુંબઈ, તા. ૧૮:'રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સેન્ટ્રમ ફાઇનાન્શિયલ સર્વિસીસને સ્મોલ ફાઇનાન્સ બેન્ક (એસએફબી) શરૂ કરવાની સૈદ્ઘાંતિક મંજૂરી આપી છે. ગઇ કાલે ૧૮ જૂને અપાયેલી મંજૂરી પછી સેન્ટ્રમ માટે કટોકટીમાં સપડાયેલી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક હસ્તગત કરવાનો માર્ગ મોકળો બન્યો છે.'

પીએમસીએ ૩ નવેમ્બર, ૨૦૨૦ના રોજ એકસપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટની નોટિસ જારી કરેલી તેના પ્રતિભાવમાં સેન્ટ્રમે ૨૦૨૧ના પહેલી ફેબ્રુઆરીએ ઓફર આપી હતી જેને આરબીઆઇએ સૈદ્ઘાંતિક મંજૂરી આપી છે.

આરબીઆઇએ ખાનગી ક્ષેત્રમાં 'એસએફબીની સ્થાપના માટે' લાઇસન્સ જારી કરવા ૨૦૧૯ના પાંચમી ડિસેમ્બરે ગાઇડલાઇન્સ બહાર પાડી હતી તેના સંદર્ભમાં આ નિર્ણય લેવાયો છે એમ તેણે શુક્રવારે કહ્યું હતું.

આ નિર્ણયને લીધે પીએમસી બેન્કની સમસ્યાનો હલ આવશે જે બેન્કના ડિપોઝિટરો માટે ખુશ ખબર છે.

પીએમસી બેન્કને સમસ્યામાંથી બહાર કાઢવા કેટલાક રોકાણકારો આગળ આવ્યા હતા પણ માર્ચમાં આરબીઆઇએ કહ્યું હતું કે બેન્કની નાણાકીય સ્થિતિ જોતા તેના ઉકેલમાં સમય લાગશે.

તે પછી આરબીઆઇએ બેન્ક પર અગાઉ મૂકેલા અંકુશોને ૧ એપ્રિલ, ૨૦૨૧થી ૩૦ જૂન, ૨૦૨૧ સુધી લંબાવ્યા હતા. આરબીઆઇએ અગાઉ પીએમસી બેન્કના બોર્ડ ઓફ ડિરેકટર્સને સુપરસીડ કરીને એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરી હતી. ડિસેમ્બરમાં પીએમસી બેન્કે કહ્યું હતું કે તેને ચાર એકસપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મળ્યા છે.

નવા રોકાણકારે હવે વધારાની મૂડી લાવવી પડશે જેથી બેન્કનો લઘુતમ મૂડી રેશિયો નવ ટકા થાય.

૩૧ માર્ચ, ૨૦૨૦ના રોજ પીએમસી બેન્કની કુલ ડિપોઝિટ રૂ. ૧૦,૭૨૭ કરોડ અને ધિરાણ રૂ. ૪૪૭૨ કરોડ હતું. બેન્કની ગ્રોસ એનપીએ રૂ. ૩૫૧૮ કરોડ હતી. તેની શેર મૂડી રૂ. ૨૯૨.૯૪ કરોડની છે. ૨૦૧૯-૨૦માં બેન્કે રૂ. ૬૮૩૫ કરોડની ખોટ કરી હતી.

પીએમસી બેન્કે એચડીઆઇએલ કંપનીને આપેલા ધિરાણમાં ગોટાળા બહાર આવ્યા એ પછી પોલીસે પીએમસી બેન્કના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેકટર જોય થોમસની ધરપકડ કરી હતી.

તપાસમાં જણાયું હતું કે બેન્કે એચડીઆઇએલને ધિરાણ આપવામાં ઘણા ગોટાળા કર્યા હતા અને બનાવટી ખાતામાંથી પૈસા આપ્યા હતા. ઘણા વર્ષોથી આ ગોટાળો ચાલુ હતો અને એક જ પાર્ટીને અપાતા ધિરાણ પરની મર્યાદાના આરબીઆઇના નિયમોનો પણ ભંગ કર્યો હતો.લૃ

આરબીઆઇએ પીએમસીના બોર્ડને સસ્પેન્ડ કર્યા બાદ ડિપોઝિટમાંથી પૈસા ઉપાડવા પર નિયંત્રણ મૂકયા હતા. દરેક ખાતામાંથી શરૂઆતમાં રૂ. ૧૦૦૦ સુધી ઉપાડી શકાતા જે બાદમાં રૂ. ૫૦,૦૦૦ અને પછી એક લાખ કરવામાં આવ્યા હતા.

(10:24 am IST)