Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

સરકારે જણાવ્યો પ્લાન

શિક્ષકો-સ્ટાફનું રસીકરણ થઇ જાય તે પછી શાળાઓ ખોલવા વિચાર થશેઃ કેન્દ્ર સરકાર

સરકારે સંકેત આપ્યા છે કે જયાં સુધી વિશ્વાસ ના થઈ જાય કે મહામારી આપણને નુકસાન નહીં પહોંચાડે ત્યાં સુધી સ્કૂલો ખૂલશે નહીં :નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પોલે કહ્યું કે, આપણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મુશ્કેલીમાં ના મુકી શકીએ

નવી દિલ્હી, તા.૧૯: દેશમાં કોરોનાની મહામારીના કારણે બાળકોના અભ્યાસ પર માઠી અસર પહોંચી છે. જો કે, કોરોનાની બીજી લહેર મંદ થવાના આરે જણાઈ રહી છે. દિલ્હી એઈમ્સ અને WHOએ કહ્યું છે કે, હવે સ્કૂલો ખોલવી વધારે જોખમભર્યું નથી કારણ કે, મોટાભાગના બાળકોમાં પહેલેથી જ કોરોના વિરૃદ્ઘની એન્ટિબોડી સ્થિત છે. ત્યારે આવામાં લોકોના મનમાં સવાલ થઈ રહ્યાં છે કે, સ્કૂલો કયારથી ખૂલશે. સરકાર આ મામલે શું વિચારી રહી છે.

નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પોલે એક પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, સરકાર કોઈ પણ પ્રકારનું જોખમ નહી લે. જયારે વધારેમાં વધારે શિક્ષકો અને સ્ટાફના લોકોને કોરોનાની રસી મળી જશે ત્યારે સ્કૂલો ખોલવાને લઈને વિચારણા કરવામાં આવશે. જયાં સુધી વિશ્વાસ ના થઈ જાય કે મહામારી આપણને નુકસાન નહીં પહોંચાડે ત્યાં સુધી અમે આપણા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એ સ્થિતિમાં ના મુકી શકીએ.

ડોકટર વી.કે.પોલે કહ્યું કે, સ્કૂલોને ફરી શરૃ કરતા પહેલાં અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખવા પડશે. અનેક દેશોમાં સ્કૂલો ખોલવામાં આવી પરંતુ સંક્રમણ વધતાં ફરી સ્કૂલોને બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો. કોરોના વાઇરસ જેવી રીતે પોતાનું સ્વરૃપ બદલી રહ્યું છે એ જોતા એમ ના કહી શકાય કે તે આગળ જઈને બાળકોને હાલની જેમ વધારે પ્રભાવિત નહીં કરી શકે. એટલા માટે સ્કૂલ ખોલવાનો નિર્ણય ત્યારે જ લેવામાં આવશે કે જયારે સંપૂર્ણ રીતે વિશ્વાસ થઈ જાય કે આ મહામારી આપણને નુકસાન નહીં પહોંચાડે.

યૂપી સરકારે ૧ જુલાઈથી પ્રાઈમરી અને જૂનિયર સ્કૂલોને ખોલવાનો આદેશ જાહેર કર્યો છે. જો કે, સ્કૂલ માત્ર વહીવટી કામો માટે જ ખૂલશે, અભ્યાસ માટે નહીં. એટલે કે હાલ બાળકોને સ્કૂલમાં આવવાની મંજુરી નથી. માત્ર શિક્ષકો અને બીજા સ્ટાફના લોકો જ સ્કૂલમાં આવી શકશે. જયારે બાળકોનો ઓનલાઈન અભ્યાસ ચાલુ જ રહેશે.કોરોનાની ત્રીજી સંભવિત લહેરમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થવાની વાતો વહેતી થઈ છે. જો કે, સરકારે કહી રહી છે કે, આ આશંકામાં કોઈ તથ્ય દેખાઈ રહ્યું નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે, આ વાતમાં કોઈ તથ્ય નથી કે ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થશે, કારણ કે તમામ ઉંમરના લોકોમાં અંદાજે એક સમાન સીરોપોઝિટિવિટી જોવા મળી છે. પરંતુ સરકાર તૈયારીઓને લઈને કોઈ પણ કસર છોડવા માગતી નથી.

(12:05 pm IST)