Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

રાજસ્થાન ભાજપમાં ભડકો: ‘વસુંધરા લાઓ’ અભિયાનનો પ્રારંભ

રાજસ્થાન કોંગ્રેસમાં ઘમાચકડી પછી  હવે ભાજપની આંતરિક લડાઈ પણ ખુલીને સામે આવી ગઈ છે. આ લડાઇ અંગે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે મૌન સેવી રહ્યા છે. પરંતુ તેમના સમર્થકો ખુલીને મેદાનમાં ઉતરી આવ્યા છે. સમર્થકોનું એવું કહેવું છે કે, વસુંધરા જ ભાજપ છે અને ભાજપ જ વસુંધરા છે.

પૂર્વ ધારાસભ્ય પ્રહલાદ ગુંજલ બાદ પૂર્વ મંત્રી ભવાની સિંહ રાજાવતે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે, જે રીતે દેશમાં ભાજપ માટે વડાપ્રધાન મોદી છે તે જ રીતે રાજસ્થાનમાં ભાજપ માટે વસુંધરા રાજે છે. રાજસ્થાનમાં વસુંધરા રાજે સિવાય કોઈનો ચહેરો નહીં ચાલે. આખી પાર્ટી વસુંધરા રાજેના દમ પર સત્તામાં આવી હતી, જો વસુંધરા રાજે નહીં હોય તો ભાજપ સત્તામાં નહીં આવે. વર્તમાન પ્રદેશ નેતૃત્વ અંગે જણાવ્યું કે, તેમાં કોઈ પણ નેતા પાસે કોઈ દમ નથી.

 પૂર્વ મંત્રી પ્રતાપ સિંહ સિંઘવી અને પૂર્વ મંત્રી રોહિતાશ શર્મા પણ મેદાનમાં ઉતરી આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, રાજસ્થાનમાં મુખ્યમંત્રીના 15 ઉમેદવારો ભાજપમાં ફરી રહ્યા છે જેમને કોઈ પુછતું પણ નથી. જો ભાજપે સત્તામાં આવવું હોય તો વસુંધરા રાજેને જ લાવવા પડશે નહીં તો પાર્ટીનો અંત આવશે. વસુંધરા રાજેના સમર્થક એવા એક ડઝન પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્યો મેદાનમાં કૂદી પડ્યા છે.

વસુંધરા રાજેના સમર્થકોએ અચાનક જ મોરચો માંડી દેતા પ્રદેશ નેતૃત્વ પણ ચોંકી ઉઠ્યું છે. વિરોધ પક્ષના નેતા ગુલાબ ચંદ કટારિયાએ આ કમોસમી વરસાદ કેમ શરૂ થઈ ગયો તે સમજાતું નથી, ચૂંટણીને તો હજું 2.5 વર્ષની વાર છે તે અર્થનું નિવેદન આપ્યું હતું. કટારિયાએ જણાવ્યું કે, ‘મને લાગે છે કે અમારી પાર્ટીના કેટલાક નેતા કોંગ્રેસ સાથે મળીને ષડયંત્ર રચી રહ્યા છે જેથી કોંગ્રેસના ઘરની અંદરના આંકડા ભાજપના ઘરની અંદરના ઝગડા વડે ઢાંકી શકાય. નહીં તો આ કોઈ સમય નથી કે મુખ્યમંત્રીના ઉમેદવારની માંગ કરવામાં આવે. ભાજપ વ્યક્તિ આધારીત પાર્ટી નથી. તે કાર્યકર્તા આધારીત પાર્ટી છે અને કોઈ પણ વ્યક્તિ પાર્ટીથી ઉપર ન હોઈ શકે.’

ધારાસભ્ય મદન દિલાવરે વર્તમાન પ્રદેશ નેતૃત્વ તરફથી મોરચો સંભાળ્યો હતો અને કહ્યું કે, જે લોકો વસુંધરા જ ભાજપ છે અને ભાજપ જ વસુંધરા છે તેમ કહી રહ્યા છે તેમને ખબર નથી કે તેઓ પાર્ટીને કેટલું નુકસાન કરી રહ્યા છે. આ બધું ભાજપમાં ન ચાલી શકે. જો કોઈને કોઈ વ્યક્તિની પાછળ ચાલવું હોય તો તેણે પાર્ટી છોડવી પડશે.

પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા પણ અચાનક જ પોતાના નેતાઓ દ્વારા હુમલો થયો તેનાથી પરેશાન છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્રીય નેતૃત્વને અનુશાસનહીનતાની જાણ કરવામાં આવશે. ભાજપમાં મુખ્યમંત્રી પદ પાર્લામેન્ટ્રી બોર્ડ નક્કી કરે છે, ઘરમાં બેઠેલા નેતાઓ નથી નક્કી કરતા. આ સંગઠન આધારીત પાર્ટી છે અને અહીં દરેક કાર્યકર બરાબરની ભૂમિકામાં છે.

આ બધા વચ્ચે વસુંધરા રાજે મૌન સેવી રહ્યા છે અને તેમના સમર્થકો વસુંધરા મંચ બનાવીને સંગઠનનો વિસ્તાર કરી રહ્યા છે. ભાજપથી દૂર પોતાના અલગ-અલગ કાર્યક્રમો ચલાવી રહ્યા છે. જાણકારોના મતે ભાજપના ઈતિહાસમાં રાજસ્થાનમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કે, પાર્ટીનો નેતા સંગઠન, સમાંતર સંગઠન બનાવીને કામ કરી રહ્યો છે. પરંતુ વસુંધરાની તાકાતને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નેતૃત્વ ચૂપ છે

(8:19 pm IST)