Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ગાઝિયાબાદ કેસમાં સપા નેતા પહેલવાનની ધરપકડ

વૃધ્ધને માર મારવાના કેસમાં વધુ એક ધરપકડ : અંડરગ્રાઉન્ડ થયેલા પહેલવાનને દિલ્હીથી ઝડપી લેવાયો

ગાઝિયાબાદ, તા.૧૯ : ગાઝિયાબાદના લોની વિસ્તારમાં કથિત રીતે વૃદ્ધને માર મારવાના કેસમાં ફેસબુક લાઈવ કરવા બદલ આરોપી સમાજવાદી પાર્ટીના (સપા) નેતા ઉમેદ પહેલવાનની ગાઝિયાબાદ પોલીસે શનિવારે દિલ્હીથી ધરપકડ કરી છે. પોલીસ છેલ્લા ઘણા દિવસોથી તેને શોધી રહી હતી.

પોલીસે જણાવ્યું કે તેને દિલ્હીના એલએનજેપી હોસ્પિટલ પાસેથી પકડી લેવાયો હતો. પોલીસને મોબાઈલ લોકેશનના આધારે આરોપી દિલ્હીમાં હોવાની માહિતી મળી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આજે તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આરોપીને લઈને ગાઝિયાબાદ જશે.

ગાઝિયાબાદના એક મુસ્લિમ શખ્સ અબ્દુલ સમદ તેમજ તેના બે દીકરાઓ સાથે અભદ્ર વર્તનની ઘટના બાદ ઉમેદ પહેલવાન ગાયબ થઈ ગયો હતો. પરિવારજનોના મતે ઉમેદ પહેલવાન અબ્દુલ સમદ અને તેના બન્ને દીકરાઓની ઘટના બાદ દિલ્હી જવાનું કહીને નિકળ્યો હતો. પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાતા તે અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો.

બીજીતરફ પોલીસ દ્વારા ઉમેદ પહેલવાન દ્વારા એફબી લાઈવ કરાયું હતું તેનો વીડિયો પણ તપાસી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ ઉમેદ પહેલવાન સપાનો નેતા છે. આ કેસમાં પોલીસ અજાણ્યા ૧૦૦ લોકોને ઓળખવા વીડિયોની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ૫ જૂનના રોજ લોની વિસ્તારમાં અનૂપશહેરના નિવાસી અબ્દુલ સમદની સાથે મારપીટ કરવામાં આવી હતી. પીડિત પક્ષના મતે ૫ જૂનના અબ્દુલ સમદ (ઉ.૭૨) પોતાના સંબંધીને મળવા ગાઝિયાબાદ ગયા હતા. તેઓ ઓટોમાં બેઠા હતા અને તેમાં અન્ય ચાર યુવકો પણ હતા.

આક્ષેપ કરાયો છે કે યુવકોએ અબ્દુલ સમદ સાથે અભદ્ર વર્તન કરી મારપીટ કરી હતી. ગાઝિયાબાદ પોલીસ દ્વારા તાવીજ બનાવીને આપવામાં આવે છે. આ તાવીજના મુદ્દે વિવાદ થતા અબ્દુલ સમદ સાથે મારપીટ કરવામાં આવી હોવાનું જણાયું હતું. પોલીસે અત્યાર સુધીમાં ૧૧ આરોપીઓની ધરપકડ કરી છે.

(7:09 pm IST)