Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ઋષિકેશ અને હરિદ્વારમાં ભારે વરસાદ : ગંગા નદી ભયજનક સ્તરને પાર:ઋષિકેશ-શ્રીનગર હાઇવે બંધ

ગંગાની સાથે ગોરી, શારદા, અલકનંદા, મંદાકિની અને નંદાકિની નદીઓ પણ ભયજનક નિશાનથી ઉપર : બદરીનાથ, રૂદ્રપ્રયાગ, પિથોરાગઢ, અલ્મોરા હાઇવે સહિતના અનેક રસ્તાઓ બંધ કરાયા

નવી દિલ્હી : ઉત્તરાખંડમાં ચોમાસુ શરૂઆતથી જ ભયાનક રૂપ બતાવી રહ્યું છે. કેટલાક કલાકોથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે નદીઓ પૂર બે કાંઠે વહી રહી છે. કેન્દ્રીય જળ પંચે ચેતવણી આપી છે કે ઋષિકેશ અને હરિદ્વારમાં ગંગા નદી જોખમી નિશાનીથી ઉપર વહી રહી છે. વરસાદને કારણે ગંગાની જળ સપાટી સતત વધી રહી છે. આ કારણોસર ચેતવણી જારી કરવામાં આવી છે. ગંગાની સાથે ગોરી, શારદા, અલકનંદા, મંદાકિની અને નંદાકિની નદીઓ પણ ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે. બદરીનાથ, રૂદ્રપ્રયાગ, પિથોરાગઢ, અલ્મોરા હાઇવે સહિતના અનેક રસ્તાઓ બંધ છે.

પર્વતો અને મેદાનોમાં અવિરત વરસાદને લીધે, યોગનગરીમાં ગંગાની જળસપાટીમાં વધારો થયો છે. ગંગા નદી ભયજનક નિશાનથી ઉપર વહેવા લાગી. શનિવાર સાંજ સુધી ગંગાની જળ સપાટી 340.50 મીટર નોંધાઇ હતી. કેન્દ્રીય જળ આયોગના કર્મચારીઓએ જણાવ્યું હતું કે ગંગા નદી વોર્નિંગ લેવલ 339.50 મીટરથી ડેંજર લેવલ 340.50 મીટર ઉપર વહી રહી છે.

ગંગા નદીમાં કાંપ અને લાકડાઓ વહીને આવવાથી પશુલોક બેરેજના તમામ 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. તે જ સમયે, ચીલા શક્તિ કેનાલમાં પાણી ન જવાથી ઉત્પાદન અટકી પડ્યું છે. યુજેવીએનએલ (ઉત્તરાખંડ જલ વિદ્યુત નિગમ) દ્વારા દરેક પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. પરમાર્થ નિકેતન સ્વર્ગાશ્રમ, ત્રિવેણી અને લક્ષ્‍મણ ઝુલાના લગભગ તમામ ગંગા ઘાટ ડૂબી ગયા છે. માયાકુંડ,ચંદેશ્વર નગરમાં પાણી ભરાયા છે.

ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ટિહરી ગઢવાલમાં બ્યાસી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ -58 (ઋષિકેશ-શ્રીનગર હાઇવે) ભૂસ્ખલનને કારણે બંધ કરાયો છે. એટલું જ નહીં, ભૂસ્ખલનને કારણે વાહનો પિથોરાગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘાટ પોલીસ સ્ટેશન નજીક અટવાઈ ગયા હતા. તે જ સમયે, ચમોલી જિલ્લાના ગુલાબકોટી અને કૌડિયા વચ્ચે બદરીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરાયો છે. સ્વાંલા-ધૌંનની પાસે કાંપ આવવાથી ટનકપુર-પિથોરગઢ હાઈવે પણ બંધ કરાયો છે.

(10:55 pm IST)