Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

વિશ્વની સામે હવે મંકી બી વાયરસનો ખતરો :ચીનમાં પ્રથમ દર્દીનું મોત : પશુ ચિકિત્સકને મૃત વાંદરાઓની વાઢકાપ કરતા લાગ્યો ચેપ

માનવ ચેપ પ્રથમ કેસ :મૃત વાંદરાઓની વાઢકાપ કર્યાના એક મહિના બાદ ઉબકા અને ઉલટીના પ્રારંભિક લક્ષણો દેખાયા હતા

નવી દિલ્હી : કોરોના સામે લડતા વિશ્વની સામે હવે મંકી બી વાયરસનો ખતરો ઉભો થયો છે. ચીનમાં આ વાયરસથી ચેપગ્રસ્ત થયેલા પ્રથમ વ્યક્તિનું બેઇજિંગમાં અવસાન થયું છે. ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઇમ્સે રવિવારે આ માહિતી આપી હતી.

અહેવાલ છે કે મૃતક વ્યક્તિ બેઇજિંગનો પશુચિકિત્સક ડોક્ટર છે. તે એક સંશોધન સંસ્થા માટે કામ કરતો હતો. માર્ચની શરૂઆતમાં મૃત વાંદરાઓની વાઢકાપ કર્યાના એક મહિના બાદ ઉબકા અને ઉલટીના પ્રારંભિક લક્ષણો દેખાયા હતા. ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ચીનના સીડીસી સાપ્તાહિક ઇંગ્લિશ પ્લેટફોર્મ પર આ વાતનો ખુલાસો થયો છે. આ સામયિકે જણાવ્યું હતું કે પશુ ચિકિત્સકનું 27 મેના રોજ અવસાન થયું હતું

આ ચીની પશુચિકિત્સકને મંકી બીથી ચેપ લાગવાનો અને પછી મૃત્યુ થવાનો આ પહેલો કેસ છે. સંશોધનકારોએ એપ્રિલમાં પશુચિકિત્સકનું સેરેબ્રોસ્પાઇનલ પ્રવાહી એકત્રિત કર્યું હતું. પરીક્ષણ સમયે, તેમાં મંકી bv વાયરસ મળી આવ્યો હતો. આ પછી, આ પશુચિકિત્સકના નજીકના સંપર્કોના નમૂના લેવામાં આવ્યા હતા, પરંતુ તેમાં વાયરસ મળ્યો નથી. આ વાયરસ 1932 માં દેખાયો હતો. તે સીધો સંપર્ક અને શારીરિક સ્ત્રાવ દ્વારા ફેલાય છે. આ વાઇરસથી મૃત્યુ દર 70 થી 80 ટકા છે.

(12:00 am IST)