Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

રાજદ્રોહઃ ૨૦૧૪થી ૨૦૧૯ વચ્‍ચે ૩૨૬ કેસ નોંધાયાઃ માત્ર ૬ લોકો દોષિત ઠર્યાઃ સજા

૧૪૧ કેસમાં ચાર્જશીટ દાખલ થઈઃ તાજેતરમાં સુપ્રિમ કોર્ટે રાજદ્રોહ કાનૂનના દુરૂપયોગ અંગે ચિંતા વ્‍યકત કરી હતી

નવી દિલ્‍હી, તા. ૧૯ :. સુપ્રિમ કોર્ટ તરફથી રાજદ્રોહ કાનૂનના દુરૂપયોગ પર હાલમાં જ વ્‍યકત કરવામાં આવેલ ચિંતા બાદ આ કાનૂનના ઔચિત્‍ય પર ચર્ચાઓ શરૂ થઈ છે. કેન્‍દ્રીય ગૃહ મંત્રાલયના આંકડાઓ અનુસાર વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૯ વચ્‍ચે દેશદ્રોહ કાનૂનના કુલ ૩૨૬ કેસ નોંધવામાં આવ્‍યા હતા. આમાથી સૌથી વધુ ૫૪ કેસ આસામમાં નોંધાયા હતા.

આમાથી ૧૪૧ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ હતી જ્‍યારે માત્ર ૬ લોકોને જ સજા સંભળાવવામાં આવી હતી એટલે કે તેઓ દોષિત ઠર્યા હતા.

આસામમાં દેશદ્રોહ હેઠળ ૫૪ કેસ નોંધાયા હતા. આમાંથી ૨૬ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ હતી અને ૨૫માં સુનાવણી પુરી થઈ હતી. હજુ સુધી કોઈને સજા થઈ નથી.

ઝારખંડે ૬ વર્ષ દરમિયાન કલમ ૧૨૪-એ હેઠળ ૪૦ કેસ નોંધ્‍યા આમાથી ૨૯ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ અને ૧૬મા ટ્રાયલ પુરી થઈ. ફકત એક વ્‍યકિતને દોષિત ઠેરવવામાં આવ્‍યો.

હરીયાણામાં ૩૧ કેસ નોંધાયા અને ૧૯માં ચાર્જશીટ દાખલ થઈ. ૬માં ટ્રાયલ પુરી થઈ અને એકને દોષિત ઠેરવવામાં આવ્‍યો. બિહાર, જમ્‍મુ-કાશ્‍મીર અને કેરળે ૨૫ - ૨૫ કેસ નોંધ્‍યા છે, હજુ ચાર્જશીટ દાખલ નથી થઈ.

હાલમાં જ સુપ્રિમ કોર્ટે રાજદ્રોહના દુરૂપયોગ અંગે ચિંતા વ્‍યકત કરી હતી અને સવાલ ઉઠાવ્‍યો હતો કે શું આઝાદીના ૭૫ વર્ષ પછી પણ આ કાનૂનની જરૂર છે ?

 

(10:19 am IST)