Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ગુજરાતમાં કોવિડ હોસ્પીટલોમાં થયેલા અગ્નિકાંડનો મામલો

શું દર્દીઓ સળગતા રહેશે અને મરતા રહેશે ? હોસ્પીટલોની ફાયર સેફટીના મામલે સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી

માર્ચ ૨૦૨૨ સુધીનો હોસ્પીટલોને સમય આપી ગુજરાત સરકાર શું કરવા માગે છે ? રાજ્ય સરકાર ગેરકાનૂની બાબતોને છાવરી રહી છે

નવી દિલ્હી, તા. ૧૯ :. આજે ફાયર સેફટીના મામલે સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને આડેહાથ લીધી હતી. સુપ્રિમ કોર્ટે એવુ જણાવ્યુ હતુ કે લોકો સળગતા રહેશે અને મરતા રહેશે. અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં કોવિડ-૧૯ દરમિયાન કેટલીક હોસ્પીટલોમાં થયેલા અગ્નિકાંડ મામલે સુપ્રિમ કોર્ટે લાલ આંખ કરી હતી.

કોવિડ હોસ્પીટલોમાં ફાયર સેફટીના માપદંડો અંગેનું નોટીફીકેશન રીવર્સ કરવાના ગુજરાત સરકારના નોટીફીકેશન સંદર્ભે સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારની ટીકા કરી હતી. કોર્ટે આગના અનેક બનાવોમાં દર્દીઓના થયેલા મોત અંગે ચિંતા વ્યકત કરી હતી. રાજ્ય સરકાર ઉપર સુપ્રિમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવાનો આરોપ મુકતા ન્યાયધીશે કહ્યુ હતુ કે રાજ્ય સરકારનું નોટીફીકેશન એવી હોસ્પીટલોને વધુ સમય આપે છે જેમની પાસે અગ્નિ સુરક્ષા પ્રણાલી નથી અને જ્યાં સુધી તેઓ કોઈ કાર્યવાહી નહી કરે ત્યાં સુધી દર્દીઓના મોત થતા રહેશે. કોર્ટે કહ્યુ હતુ કે રાજ્ય સરકારના નોટીફીકેશનથી એવી છાપ ઉભી થાય છે કે રાજ્ય સરકાર ગેરકાનૂની બાબતને છાવરી રહી છે.

જસ્ટીશ ડી.વાય. ચંદ્રચુડે કહ્યુ હતુ કે એક વખત અમારો આદેશ અપાયા બાદ તેને આ પ્રકારે એક કાર્યકારી નોટીફીકેશન દ્વારા ઓવરરાઈડ કરી ન શકાય. તમે હવે કાર્ટેલ બ્લેન્ચ આપો છો અને કહો છો કે હોસ્પીટલોને ૨૦૨૨ સુધીનો સમય આપવામાં આવ્યો છે. શું ત્યાં સુધી દર્દીઓ મરતા રહેશે અને સળગતા રહેશે ?

જસ્ટીશ ચંદ્રચુડે કહ્યુ હતુ કે નાસિકમાં એક વ્યકિત સાજો થયો અને તેને બીજા દિવસે છોડી મુકવાનો હતો. બે નર્સ વોશ રૂમમા ગઈ તો બધા જીવતા સળગી ગયા. આ માનવીય ટ્રેજેડી છે જે આપણી આંખો સામે થઈ છે. આજે હોસ્પીટલો એક મોટા રીયલ એસ્ટેટ ઉદ્યોગમાં પરિવર્તીત થઈ છે અને તે માનવીઓના સ્ટ્રેસ ઉપર જીવે છે. ચાર રૂમમા કાર્યરત એવી હોસ્પીટલો બંધ થવી જોઈએ.

રાજ્ય સરકારને એક સોગંદનામાના માધ્યમથી નોટીફીકેશનની વ્યાખ્યા કરવાની માંગણી કરતા ન્યાયધીશે રાજ્ય સરકારને કહ્યુ હતુ કે ડીસે. ૨૦૨૦ના આદેશ હેેઠળ કરવામાં આવેલ અગ્નિ સુરક્ષા ઓડીટ અંગેનો એકશન ટેકન રીપોર્ટ રજુ કરે.

ગુજરાત પોતાનો જવાબ દાખલ કરવા માટે સમય ઈચ્છતો હતો પરંતુ સર્વોચ્ચ અદાલતે આજે નોટીફીકેશન અંગે પૂછયુ હતુ. ખંડપીઠનો હિસ્સો રહેલા ન્યાયમૂર્તિ એમ.આર. શાહે કહ્યુ હતુ કે અમે અખબારોમાં વાંચ્યુ હતુ કે ગુજરાતે હોસ્પીટલોને અમારા આદેશોનું પાલન કરવા માટે માર્ચ ૨૦૨૨ સુધીનો સમય આપતુ એક જાહેરનામુ બહાર પાડયુ છે.

નવેમ્બરના અંતમાં રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પીટલમાં ૬ લોકોના મોત થયા હતા. ત્યાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલતી હતી. પોલીસે કહ્યુ હતુ કે આઈસીયુમાં આગ લાગી હતી અને તપાસમાં હોસ્પીટલ સત્તાવાળાઓની બેદરકારી છતી થઈ હતી.

આ ઘટનાને શોકજનક ગણાવતા સુપ્રિમ કોર્ટે કહ્યુ હતુ કે રાજ્ય સરકાર તથ્યોને દબાવી રહી છે. કોર્ટે કહ્યુ હતુ કે તમારા માટે બધુ ઠીક છે પરંતુ વાયરીંગ અંગે ચીફ ઈલેકટ્રીક એન્જીનીયરનો રીપોર્ટ અલગ બાબત દર્શાવે છે.

આ વર્ષના મે મા ભરૂચ ખાતે ૧૮ લોકોના મોત થયા હતા. ત્યાં પણ અગ્નિકાંડ થયો હતો. તે વખતે ગુજરાત હાઈકોર્ટે કહ્યુ હતુ કે કોઈને જવાબદાર ઠેરવવા જોઈએ.

આગના બનાવોને રોકવા માટે અગાઉના આદેશોનુ પાલન કરવામાં ગુજરાત સરકાર નિષ્ફળ ગઈ હતી તે બાબતનો ઉલ્લેખ કરતા હાઈકોર્ટે કહ્યુ હતુ કે બધુ અદાલતની અવમાનના જેવુ થઈ રહ્યુ છે અને આગના બનાવો એક પછી એક બની જ રહ્યા છે.

(3:22 pm IST)