Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

વીજળીની બાકી રકમ ન ચૂકવનાર ૧૩ રાજ્ય સરકારોના કેન્દ્રએ ઉડાવ્યા ફ્યૂઝ

કુલ 30 કંપનીઓને વીજ વિતરણ વ્યવસાય બંધ કરવા જણાવ્યું

નવી દિલ્હીઃપબ્લિક સેક્ટર પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશન લિ. (POSOCO)એ ત્રણ વીજ બજારો આઈઈએક્સ, પીએક્સઆઈએલ અને એચપીએક્સને 13 રાજ્યોની 27 વીજ વિતરણ કંપનીઓના વીજ વ્યવસાયને બંધ કરવા માટે કહ્યું છે. આ વિતરણ કંપનીઓ પર વીજ ઉત્પાદક કંપનીઓના ઘણા પૈસા બાકી છે. હકીકતમાં આ 13 રાજ્યો પર 5000 કરોડ રૂપિયાથી વધુનું દેવું છે, જે ચૂકવવામાં આવ્યું નથી.

પોસોકોએ ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ (IEX), પાવર એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (PXIL) અને હિન્દુસ્તાન પાવર એક્સચેન્જ (HPX)ને 13 રાજ્યોની વિતરણ કંપનીઓના વ્યવસાયને મર્યાદિત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, બિહાર, છત્તીસગઢ અને ઝારખંડનો સમાવેશ થાય છે. પોસોકો જે ઊર્જા મંત્રાલય હેઠળ આવે છે, તે દેશમાં વીજ પ્રણાલીના સંકલિત સંચાલનનું સંચાલન કરે છે.

પોસોકોએ ત્રણ વીજ બજારોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે 13 રાજ્યોની 27 વિતરણ કંપનીઓ માટે વીજ બજારની તમામ પ્રોડક્ટ્સમાં ખરીદ અને વેચાણ વિતરણ તારીખ 19 ઓગસ્ટ, 2022 થી આગળની સૂચના સુધી સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, પ્રપ્તિ (ચુકવણીની પુષ્ટિ અને ઉત્પાદકોના ઇનવોઇસમાં પારદર્શિતા લાવવા માટે વીજ ખરીદી વિશ્લેષણ) પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ વિતરણ કંપનીઓ પર વીજ ઉત્પાદક કંપનીઓના બાકી લેણાંને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરક્ષા પ્રણાલી હેઠળ જો ઉત્પાદક કંપનીઓની બાકી નીકળતી રકમ ચૂકવવામાં નહીં આવે તો જાહેર ક્ષેત્રની વીજ વિતરણ કંપનીઓને વીજ બજારમાં વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી શકાય છે. આ અંતર્ગત, જો પૂરતી ચુકવણીની સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવે અથવા તેની ગેરહાજરીમાં એડવાન્સ પેમેન્ટ કરવામાં આવે તો જ વીજળી સપ્લાય કરવામાં આવશે.

(3:57 pm IST)