Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

એરલાઇન્સ કંપનીઓને મોટી રાહત : સરકારે હવે 15 દિવસનું ભાડું નક્કી કરવાની છૂટ આપી

ગરિક ઉડ્ડયન મંત્રાલયે મુસાફરોની ક્ષમતા 72.5% થી વધારીને 85% કરી દીધી

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે એરલાઇન્સ કંપનીઓને મોટી રાહત આપી છે. હવે કંપનીઓ મહિનામાં 15 દિવસનું ભાડું નક્કી કરી શકે છે. આ સિવાય, બાકીના 15 દિવસો માટે, તેઓએ સરકારે નક્કી કરેલા ભાડા બેન્ડ મુજબ ચાલવું પડશે.

ભાડા બેન્ડ હેઠળ સરકાર અત્યાર સુધી સૌથી ઓછુ અને સૌથી વધુ ભાડાની મર્યાદા નક્કી કરી રહી હતી, પરંતુ હવે તેમાં છૂટ આપવામાં આવી છે. હવે સરકાર મહિનામાં માત્ર 15 દિવસ માટે આ મર્યાદા નક્કી કરશે, જ્યારે એરલાઇન્સ 15 દિવસ માંગ મુજબ ભાડૂં નક્કી કરશે.

આ ઉપરાંત, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મુસાફરોની ક્ષમતા 72.5% થી વધારીને 85% કરી દીધી છે. એટલે કે હવે પહેલા કરતા વધુ મુસાફરો ઘરેલુ ફ્લાઇટમાં મુસાફરી કરી શકશે. નોંધનિય છે કે, કોરોના વાયરસને કારણે એરલાઇન્સ કંપનીઓ ખૂબ પ્રભાવિત થઇ છે.

ગયા વર્ષે જ્યારે કોરોના મહામારીએ દસ્તક દીધી ત્યારે એરલાઇન્સ બંધ કરી દેવામાં આવી હતી. લાંબા સમય સુધી બંધ રહ્યા પછી, સ્થાનિક ફ્લાઇટ સેવાઓ શરૂ કરવામાં આવી હતી, પરંતુ મુસાફરોની સંખ્યા ઘટાડીને 50 ટકા કરવામાં આવી હતી, બાદમાં તેને વધારીને 72.5 ટકા કરવામાં આવી હતી અને હવે મંત્રાલયે તેને વધારીને 85% કરવાનો નિર્ણય કર્યો છે.

કોરોનાની સ્થિતિમાં સુધારો થયા બાદ પણ 30 સપ્ટેમ્બર સુધી વિદેશી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લાગેલો છે. જો કે, ભારતે અમેરિકા, યુકે, યુએઈ, કેન્યા સહિત 28 દેશો સાથે એર બબલ બનાવ્યું છે, જે અંતર્ગત કેટલીક ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવી છે.

(12:00 am IST)