Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

ગુજરાત બોર્ડર પરથી ૭ ઇરાની માછીમારોને અધધધ કહી શકાય તેવા ર૮૦૦ કિલો હેરોઇનના જથ્થા સાથે આબાદ ઝડપી લેવાયા

ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુકત રીતે હાથ ધરાયેલ ઓપરેશનને મળેલી જબરી સફળતા : ઝડપાયેલ જથ્થાની કિંમત રૂ. ૮પ૦૦ કરોડ આકારાઇ છે : એટીએસના ડીવાયએસપી ભાવેશ રોજીયાએ તપાસ હાથ ધરી

અમદાવાદ : ભારતીય જળ સીમામાં હેરોઈન લઈને ઘૂસી આવેલા ઈરાની માછીમારોને પકડવામાં ભારતીય તટરક્ષક દળને મોટી સફળતા મળી છે. ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા જોઈન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું, જેમાં ગઈકાલે મોડી રાત્રે 7 ઈરાની માછીમારો હેરોઈનના જથ્થા સાથે પકડાયા છે. ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસ પહેલા જ મુન્દ્રા પોર્ટ પર ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સની ટીમ દ્વારા ઈરાનથી આવેલો 2800 કિલો હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની બજાર કિંમત 8500 કરોડ હોવાનું કહેવાય છે.

છેલ્લા કેટલાય મહિનાઓથી ગુજરાતની દરિયાઈ સરહદો ડ્રગ્સ ઘૂસાડવાનું સેફ પેસેજ બની રહી છે. કચ્છના દરિયાઈ કાંઠે ડ્રગ્સ ઘૂસાડવાના કિસ્સા વધી રહ્યાં છે. પહેલા પાકિસ્તાન બાદ હવે ગલ્ફના દેશો ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડી રહ્યાં છે. હવે ગુજરાતમાં ઈરાનથી ડ્રગ્સ સાથેના કન્ટેઈનર આવી રહ્યાં છે. ભારતીય જળ સીમામાં ભારતીય કોસ્ટગાર્ડનું સંયુક્ત સર્ચ ઓપરેશન શનિવારે મોડી રાત્રે હાથ ધરાયુ હતું. ગઈકાલે મોડી રાત્રે 7 ઈરાની માછીમારો બોટ અને હેરોઈન સાથે પકડાયા છે. આવતીકાલ સુધીમાં ગુજરાત ATS ખાતે તમામ માછીમારોને લાવવામાં આવશે. આ મામલે ગુજરાત ATS વધુ તપાસ હાથ ધરશે. ગુજરાત ATSના dysp ભાવેશ રોજીયાએ આ માહિતી આપી હતી.

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ભારતીય જળસીમાંથી 50 કિલો હેરોઈન ઝડપાયુ છે. આ સાથે જ 7 ઈરાની નાગરિકોની પણ ધરપકડ કરાઈ છે. આ ઈરાની માછામીરો ફિશિંગ બોટમાં હેરાઈનનું સપ્લાય કરતા હતા. આશરે 250 કરોડના હેરોઈનનો જથ્થો ઝડપાયો છે.

(12:05 pm IST)