Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

વિદેશ મંત્રી એસ જયશંકરે સાઉદીના વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાન અલ સઉદ સાથે મુલાકાત કરી

અફઘાનિસ્તાન સંકટ સહિત દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા

નવી દિલ્હી : વિદેશ મંત્રી એસ જયશંકરે સાઉદીના વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાન અલ સઉદ સાથે અફઘાનિસ્તાન સંકટ સહિત દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી  વાતચીત દરમિયાન એસ. જયશંકરે કોરોના મહામારી દરમિયાન ભારતીય સમુદાયને આપવામાં આવેલા સમર્થન માટે દેશની પ્રશંસા કરતા, ભારતથી ગલ્ફ દેશોમાં મુસાફરી પરના પ્રતિબંધોને વધુ હળવા કરવા હાકલ કરી હતી. આ ઉપરાંત બંને નેતાઓએ સંરક્ષણ અને સુરક્ષા, વેપાર, રોકાણ અને ઉર્જાના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ વિસ્તૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે સાઉદીના વિદેશ મંત્રી 3 દિવસના પ્રવાસ પર શનિવારે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા.

બંને નેતાઓની બેઠક પછી, વિદેશ મંત્રાલયે વિગતવાર માહિતી આપતા કહ્યું કે, બંને મંત્રીઓએ તેમના દ્વિપક્ષીય સંબંધો અને પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી. વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને મંત્રીઓએ ઓક્ટોબર 2019 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન બંને પક્ષો વચ્ચે હસ્તાક્ષર કરેલા ‘વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ કરાર’ના અમલીકરણની સમીક્ષા પણ કરી હતી. બંને પક્ષોએ વેપાર, રોકાણ, ઉર્જા, સંરક્ષણ, સુરક્ષા, સંસ્કૃતિ, કોન્સ્યુલર મુદ્દાઓ, આરોગ્ય સંભાળ અને માનવ સંસાધનોમાં તેમની ભાગીદારીને મજબૂત કરવા માટે આગળના પગલાંની ચર્ચા કરી.

ફરહાન અલ સઈદ સોમવારે વડાપ્રધાન  મોદીને મળશે. તેઓ આ મુલાકાતે એવા સમયે આવ્યા છે જ્યારે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદની ઘટનાઓને લઈને ભારત તમામ શક્તિશાળી દેશોના સંપર્કમાં છે.

(8:45 pm IST)