Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

અમીરોની કારમાં નહીં, નાની કારોમાં પણ ૬ એરબેગ આપો

કેન્દ્રીય માર્ગ પરિવહન નીતિન ગડકરીની પ્રતિક્રિયા : ફક્ત અમીરોની કારોમાં જ કેમ આઠ એરબેગ આપવામાં આવે છે? અને નાની કારોમાં ફક્ત ૨-૩, આવું કેમ છે?

નવી દિલ્હી,તા.૧૯ : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નાની કારોમાં પણ સેફ્ટીને લઈને મહત્વપુર્ણ ટિપ્પણી કરી છે. નીતિન ગડકરીએ એક ઈન્ટરવ્યૂમાંમાં કહ્યું કે, વાહન કંપનીઓ ફક્ત અમીર લોકો દ્વારા ખરીદવામાં આવતી મોટી કારોમાં જ કેમ આઠ એરબેગ ઉપલબ્ધ કરાવે છે. નાની કારો કે જે મોટા ભાગે સામાન્ય લોકો દ્વારા ખરીદવામાં આવે છે, તેમાં પણ સુરક્ષાની દ્રષ્ટિથી પર્યાપ્ત સંખ્યામાં એરબેગ હોવી જોઈએ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, નાની કારોની ખરીદી નિમ્ન મધ્યમ વર્ગ દ્વારા કરવામાં આવે છે.

             જો તેમની કારોમાં એરબેગ નહીં હોય તો, દુર્ઘટનાની સ્થિતિમાં તેમનો જીવ જઈ શકે છે. તેવામાં હું તમામ કાર નિર્માતાઓને અપીલ કરીશ કે, તે પોતાના વાહનોનાં તમામ વેરિયેન્ટમાં ઓછામાં ઓછી છ એરબેગ ઉપલબ્ધ કરાવે. હું હેરાન છું કે, વાહન નિર્માતાઓ કંપનીઓ ફક્ત અમીર લોકો દ્વારા ખરીદાતી મોટી અને મોંઘી ગાડીઓમાં જ કેમ ૮ એરબેગ આપે છે. આ ઉપરાંત ગડકરીએ એ વાતનો પણ સ્વીકાર કર્યો કે, નાની કારોમાં એકસ્ટ્રા એરબેગ આપવાથી તેમની કિંમતમાં ઓછામાં ઓછા ૩૦૦૦થી ૪૦૦૦ રૂપિયાનો વધારો થઈ શકે છે. પણ આપણા દેશમાં ગરીબોને સુરક્ષા મળવી જોઈએ. અમીરોની કારમાં તમે આઠ એરબેગ આપો છો અને સસ્તી કારોમાં ફક્ત બે કે ત્રણ જ એરબેગ, આવું કેમ? તેવો સવાલ પણ નીતિન ગડકરીએ કાર નિર્માતાઓને પુછ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નીતિન ગડકરીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે, જ્યારે ઈન્ડસ્ટ્રી દ્વારા એ વાત પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, ઊંચા ટેક્સ, ઉત્સર્જન માપદંડ અને સેફ્ટી નોર્મ્સના કારણે વાહનોની કિંમત વધી ગઈ છે. તેવામાં હવે જોવાનું રહ્યું કે, નીતિન ગડકરી દ્વારા કરવામાં આવેલી આ અપીલને કાર નિર્માતા કંપનીઓ અનુસરે છે કે નહીં?

(9:13 pm IST)