Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

ઈન્ડોનેશિયામાં ચીનના પ્રોજેક્ટ સામે હજારો લોકો રસ્તા પર

વિસ્તારવાદી નીતિઓ માટે ચીન વિશ્વભરમાં કુખ્યાત :ચીનના પ્રોજેકટના કારણે ઈન્ડોનેશિયાના ટાપુ પર હજારો લોકો વિસ્થાપિત થશે, સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ ફોર્સ તૈનાત કરવી પડી

જકાર્તા,તા.૧૯ ઃચીન પોતાની વિસ્તારવાદી નીતિઓ માટે અને બીજા દેશોને પોતાના દેવાની જાળમાં ફસાવવા માટે આખી દુનિયામાં કુખ્યાત થઈ રહ્યુ છે.ચીનની આ નીતિના કારણે ઘણા દેશો દેવાના ભરડામાં આવી ગયા છે. જોકે ખંધા ચીનની ચાલાકી હવે બીજા દેશો સમજી રહ્યા છે. જેમ કે ઈન્ડોનેશિયામાં ચીન સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ઈન્ડોનેશિયાના એક ટાપુના હજારો લોકોએ રસ્તા પર ઉતરીને ચીન સામે દેખાવો કર્યા હતા. લોકોને ડર છે કે, ચીનના પ્રોજેકટના કારણે આ ટાપુ પર હજારો લોકો વિસ્થાપિત થશે.

વિરોધ અને દેખાવો એટલા ઉગ્ર હતા કે, સરકારે સ્થિતિને કાબૂમાં લેવા માટે વિશેષ પોલીસ ફોર્સને તૈનાત કરવી પડી હતી.

ઈન્ડોનેશિયાની સરકાર ચીન પાસેથી મળેલી લોન વડે પોતાના સેમપાંગ ટાપુને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન તરીકે વિકસીત કરી રહી છે. પણ આ યોજના સામે સ્થાનિક લોકો વિરોધમાં છે. આ ટાપુ પર એક મોટી ગ્લાસ ફેટકરી સ્થાપાવાની છે પણ તેના કારણે ૭૫૦૦ લોકોને વિસ્થાપિત થવુ પડશે. ચીનની કંપની પાસે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ ચીનની મુલાકાત દરમિયાન ૧૧ અબજ ડોલરના રોકાણનો વાયદો લીધો હતો. જોકે ચીનના પ્રોજેકટનો ભારે વિરોધ થઈ રહ્યો છે.

જોકે ચીન સામે દેખાવો નવી વાત નથી. આ પહેલા પણ ફિલિપાઈન્સ, તાઈવાન, મલેશિયા, વિયેતનામ જેવા દેશોમાં ચીન સામે લોકો પોતોનો ગુસ્સો વ્યસ્ત કરી ચુકયા છે. આ દેશો સામે સાઉથ ચાઈના સીમાં ચીન દાદાગીરી દેખાડતુ રહ્યુ છે.

(7:26 pm IST)