Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ચેતન શર્મા સહિત સમગ્ર સિનિયર સિલેક્શન કમિટી સસ્પેન્ડ: બીસીસીઆઇનો મોટો નિર્ણય

વાર્ષિક સામાન્ય સભા (AGM)એ પસંદગીકારોની કાર્યશૈલી અંગે નારાજગી વ્યક્ત થયા બાદ મોટો નિર્ણય : બોર્ડે નવી પસંદગી સમિતિ માટે અરજીઓ પણ જારી કરી

મુંબઈ :ટી-20 વર્લ્ડ કપમાં તાજેતરમાં સેમિફાઇનલમાં કારમાં પરાજયની અસર દેખાઈ હોય તેમ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મોટો નિર્ણય લીધો છે અને સમગ્ર પાંચ સભ્યોની પસંદગી સમિતિને સસ્પેન્ડ કરી દીધી છે.આ હકાલપટ્ટી કરાયેલ પસંદગી સમિતિના અધ્યક્ષ પૂર્વ ટેસ્ટ ક્રિકેટર ચેતન શર્મા છે, જ્યારે અન્ય સભ્યોમાં પૂર્વ ક્રિકેટર સુનીલ જોશી, દેવાશિષ મોહંતી, હરવિંદર સિંહ છે.

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સંભવતઃ પ્રથમ વખત આવું જોવા મળ્યું છે જ્યારે ટીમના ખરાબ પ્રદર્શનની અસર પસંદગીકારો પર પડી છે, જે ખૂબ જ આશ્ચર્યજનક લાગે છે. જો કે, નિર્ણય લેતા બોર્ડે નવી પસંદગી સમિતિ માટે અરજીઓ પણ જારી કરી છે. આની શક્યતાઓ પહેલેથી જ દેખાઈ રહી હતી કારણ કે તાજેતરમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા (AGM)એ પસંદગીકારોની કાર્યશૈલી અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

BCCIએ નવી પસંદગી સમિતિ માટે અરજીઓ પણ જારી કરી દીધી છે. રાષ્ટ્રીય પસંદગી સમિતિના સભ્ય બનવા માટે કુલ પાંચ જગ્યાઓ છે અને પાત્રતાની શરતો નીચે મુજબ છે.

1 અરજી કરનાર ખેલાડીએ ઓછામાં ઓછી 7 ટેસ્ટ મેચ રમી હોય અથવા:
2. ખેલાડીએ ઓછામાં ઓછી 30 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હોવી જોઇએ, અથવા:
3. અરજદારે ઓછામાં ઓછી 10 ODI અને વીસ ફર્સ્ટ ક્લાસ મેચ રમી હોવી જોઈએ.

આ શરતો સિવાય, અરજી કરનાર ખેલાડીએ ઓછામાં ઓછા પાંચ વર્ષ પહેલા ક્રિકેટને અલવિદા કહી દીધું હોવું જોઈએ. ઉપરાંત, ખેલાડી કોઈ ચોક્કસ ક્રિકેટ સમિતિનો સભ્ય ન હોવો જોઈએ. અરજદારે તેમની અરજી 28 નવેમ્બર સુધીમાં સાંજે 6 વાગ્યા સુધીમાં મોકલી દેવી જોઈએ. બીસીસીઆઈની વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે.

(9:54 pm IST)