Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ડેટા પ્રોટેક્શન બિલના ઉલ્લંઘન માટે દંડની રકમ વધારીને 500 કરોડ સુધી કરવાનો પ્રસ્તાવ

ડ્રાફ્ટમાં ડેટા ફિડ્યુસિયરી અને ડેટા પ્રોસેસર કંપની બંને પર 250-250 કરોડ રૂપિયાનો દંડ લગાવવાની દરખાસ્ત

નવી દિલ્હી : જાહેર કરવામાં આવેલા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2022ના ડ્રાફ્ટમાં સરકારે તેની સૂચિત જોગવાઈઓના ઉલ્લંઘન માટે દંડની રકમ વધારીને 500 કરોડ રૂપિયા કરી દીધી છે.

વર્ષ 2019માં બહાર પાડવામાં આવેલા આ કાયદાના ડ્રાફ્ટમાં કંપનીના વૈશ્વિક ટર્નઓવરના ચાર ટકા અથવા તો 15 કરોડ રૂપિયા સુધીના દંડની દરખાસ્ત કરવામાં આવી હતી.

આ બિલના ડ્રાફ્ટમાં ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવાની દરખાસ્ત કરવામાં આવી છે, જે બિલની જોગવાઈઓ હેઠળ તેનું કામ કરશે.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, બિલના ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “જો બોર્ડને તપાસ બાદ લાગે છે કે કોઈ વ્યક્તિ દ્વારા કાયદાનું પાલન ન કરવાના કિસ્સામાં મામલો ગંભીર છે, તો તે વ્યક્તિને તેની રજૂઆત કરવા માટે બોલાવી શકે છે. તે વ્યક્તિને પોતાનો પક્ષ રાખ્યા પછી એટલે કે એક તક આપ્યા પછી તેને દંડ ફટકારી શકાય છે, જે દરેક કેસમાં રૂ. 500 કરોડથી વધુ ન હોવો જોઈએ.”

ડ્રાફ્ટમાં ગ્રેડેડ પેનલ્ટી સિસ્ટમનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એટલે કે, જે કંપની લોકોની અંગત માહિતી એકત્રિત કરે છે અને બીજી જે તેના વતી ડેટા પર પ્રક્રિયા કરશે, ડેટા ભંગના કિસ્સામાં બંને કંપનીઓની અલગ-અલગ જવાબદારીઓ હશે.

ડ્રાફ્ટમાં ડેટા ફિડ્યુસિયરી અને ડેટા પ્રોસેસર કંપની બંને પર 250-250 કરોડ રૂપિયાનો દંડ લગાવવાની દરખાસ્ત કરવામાં આવી છે

(12:10 am IST)