Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

સરકારની થિંક ટેન્ક ડીડીસીડીના ઉપાધ્યક્ષ જાસ્મિન શાહ બરતરફ

કેજરીવાલ સરકારને દિલ્હીના એલજીનો આંચકો : શાહ પાસેથી સરકારી સુવિધાઓ પરત ખેંચવાનો આદેશ શાહને દિલ્હી સરકારના કેબિનેટ મંત્રીનો દરજ્જો પ્રાપ્ત છે

નવી દિલ્હી, તા.૧૮ : દિલ્હીના એલજી વી.કે. સક્સેનાએ અરવિંદ કેજરીવાલ સરકારને મોટો ઝટકો આપ્યો છે. તેમણે આપ સરકારની થિંક ટેક તરીકે કામ કરતા ડાયલોગ એન્ડ ડેવલેપમેન્ટ કમીશન ઓફ દિલ્હી (ડીડીસીડી)ના ઉપાધ્યક્ષ જાસ્મિન શાહને બરતરફ કરી દીધા છે. આ સાથે જ તેમની પાસેથી તમામ સરકારી સુવિધાઓ પરત ખેંચવાનો આદેશ આપવામાં આવ્યો છે. શાહને દિલ્હી સરકારના કેબિનેટ મંત્રીનો દરજ્જો પ્રાપ્ત છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ડીડીસીડીના અધ્યક્ષ છે અને જાસ્મિન શાહ ઉપાધ્યક્ષ છે. શાહ પર બંધારણીય પદનો દુરૃપયોગ કરવાનો આરોપ છે. તેઓ બંધારણીય પદ પર રહીને પાર્ટી પ્રવક્તા તરીકે ન્યુઝ ચેનલની મુલાકાત લેતા હતા. એલજીએ તેમને આ અંગે નોટિસ પાઠવી હતી. હવે એલજી વી.કે. સક્સેનાના નિર્દેશ પર આયોજન વિભાગે આદેશ જારી કર્યો છે, જે તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. ગુરૃવારના રોજ રાત્રે ૧૦:૩૦ વાગ્યે શામનાથા માર્ગ ખાતેની ડીડીસીડી ઓફિસમાં આવેલી તેમની ચેમ્બરને પણ સીલ કરવામાં આવી હતી.

આયોજન વિભાગ દ્વારા ૧૭ નવેમ્બરના રોજ જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, એલજી દ્વારા જસ્મિન શાહને ડીડીસીડીના ઉપાધ્યક્ષ તરીકે કામ કરતા રોકવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. ઓફિસ સાથે સંબંધિત સુવિધાઓના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમાં ડીડીસીડીની ઓફિસમાં ઉપાધ્યક્ષના ચેમ્બરને સીલ કરવાનો અને શાહને મળેલા વાહન/સ્ટાફને તાત્કાલિક પાછા ખેંચી લેવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. એલજીના તાજેતરના આદેશ બાદ એક વખત ફરીથી રાજભવન અને દિલ્હી સરકાર વચ્ચે તણાવ વધી શકે છે. એક્સાઈઝ પોલીસીમાં સીબીઆઈ તપાસના આદેશ બાદ બંને પક્ષો ઉશ્કેરાયા હતા. 'આપ'ના અનેક નેતાઓએ પલટવાર કરતા એલજી પર ભ્રષ્ટાચાપનો આરોપ લગાવ્યા હતા. એલજી વી.કે. સક્સેનાએ આવું કરનારા ઘણા નેતાઓને માનહાનિની નોટિસ પણ મોકલી હતી.

(12:00 am IST)