Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

આજથી ચૂંટણી પ્રચારની કમાન મોદીના હાથમાં: ૫ દિવસમાં ૨૦ સભા સંબોધશે

પીએમ મોદી વલસાડ, સોમનાથ, વેરાવળ, અમરેલી, બોટાદ, સુરેન્‍દ્રનગર, જંબુસર, નવસારીમાં રોડ શો પણ કરશે

નવી દિલ્‍હી,તા. ૧૯ : મિશન ૧૫૦ પ્‍લસના ટાર્ગેટ સાથે પ્રથમ તબક્કાની તમામ બેઠકો ભાજપના સ્‍ટાર પ્રચારકો ખુંદી વળ્‍યા છે. રાષ્ટ્રીય અધ્‍યક્ષ જે.પી. નડ્ડા, યોગી આદિત્‍યનાથ, અનુરાગ ઠાકુર, સ્‍મૃતિ ઈરાની સહિત અને કેન્‍દ્રના નેતાઓ તેમજ ભાજપના રાજયના ધારાસભ્‍યો પણ અલગ અલગ વિધાનસભા વિસ્‍તારમાં સભાઓ ગજવી રહ્યાં છે. ત્‍યારે પ્રધાનમમંત્રી નરેન્‍દ્ર મોદી પાંચ દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ પાંચ દિવસ તેઓ ગુજરાતભરમાં ૨૦ થી વધુ જનસભાઓ સંબોધશે. વાપીના ચલા ખાતે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી ભવ્‍ય રોડ શો કરશે. દિલ્‍હીથી દમણ એરપોર્ટ પીએમ મોદી ઉતરાણ કરશે. જે બાદ દાબેલ ચેકપોસ્‍ટથી મુક્‍તાનંદ માર્ગ સુધી તેમના રોડ શોનું આયોજન છે. જેમાં મોટી સંખ્‍યામાં લોકો સામેલ થશે.

ભાજપના સૌથી દિગ્‍ગજ નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યાં છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન ખુદ પ્રધાનમંત્રી મોદી સંભાળવાના છે. પીએમ મોદી ૧૯ નવેમ્‍બરથી ગુજરાતમાં પ્રચારનો પ્રારંભ કરશે. ચૂંટણી પ્રચારના શ્રીગણેશ થઈ ગયા છે, ત્‍યારે ૧૯ નવેમ્‍બરે પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવશે. પીએમ મોદી વલસાડ, સોમનાથ, વેરાવળ, અમરેલી, બોટાદ, સુરેન્‍દ્રનગર, જંબુસર, નવસારીમાં રોડ શો કરશે. જેમાં તેઓ ૧૯ નવેમ્‍બરે વાપીમાં રોડ શો કરશે. વલસાડમાં પ્રધાનમંત્રી મોદી જનસભાને સંબોધન કરશે. તો ૨૦ નવેમ્‍બરે પ્રધાનમંત્રી મોદી ચાર જનસભા કરશે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આવતી કાલે વલસાડ જિલ્લામાં ચૂંટણીનો ઝંઝાવાતી પ્રચાર કરશે. વાપીના ચલા વિસ્‍તારમાં પીએમનો ભવ્‍ય રોડ શો યોજાશે. વડાપ્રધાનના આગમનને લઈને વાપીમાં દિવાળી જેવો માહોલ છવાયો છે. વાપીનો ચલા વિસ્‍તાર રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્‍યો છે. સાંજે ૭ વાગે વાપીના ચલામાં પીએમ મોદીનો રોડ શો નીકળશે. તો  સાંજે ૮ વાગે વલસાડના જુજવામાં જંગી જાહેરસભા ગર્જાવશે. હાલ પીએમના કાર્યક્રમની તૈયારીઓને અપાયો આખરી ઓપ અપાઈ રહ્યાં છે. પીએમના રોડ શો અને જાહેરસભા વખતે લોખંડી સુરક્ષા બંદોબસ્‍ત રહેશે, જેમાં ૯ એસપી, ૧૭ ડી.વાય.એસ.પી, ૪૦ પીઆઇ, ૯૦ પી.એસ.આઇ સહિત ૧૫૦૦ પોલીસ કર્મીનો કાફલો તૈનાત રહેશે.

ઉલ્લેખનીય છે કે, પીએમ સતત બીજી વખત ચૂંટણી પ્રચાર માટે વલસાડ જિલ્લાથી શરૂઆત કરી રહ્યાં છે. રાજયમાં ચૂંટણી પ્રચારનો આરંભ પણ કપરાડાના નાનાપોંઢાથી કર્યો હતો. આમ, પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીનો ચૂંટણી પ્રચાર ગુજરાતના દક્ષિણ તરફથી શરૂ થશે.

પીએમ મોદીનો ત્રણ દિવસનો પ્રચાર

૧૯ નવેમ્‍બર, ૨૦૨૨: વાપીમાં રોડ શો, તેના બાદ સાંજે ૭:૩૦ વાગ્‍યે વલસાડમાં જનસભાને સંબોધશે. તેઓ રાત્રી રોકાણ વલસાડમાં કરશે.

૨૦ નવેમ્‍બર, ૨૦૨૨ : બીજા દિવસે રવિવારે સોમનાથ મંદિરમાં પૂજા કરશે.

રવિવારે સવારે ૧૧ વાગ્‍યે વેરાવળમાં, ૧૨:૪૫ વાગ્‍યે ધોરાજીમાં, બપોરે ૨:૩૦ વાગ્‍યે અમરેલીમાં અને ૬:૧૫ વાગ્‍યે બોટાદમાં સભાને સંબોધન કરશે

રાત્રે ગાંધીનગર પરત ફરશે અને રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે

૨૧ નવેમ્‍બર, ૨૦૨૨: સોમવારે બપોરે ૧૨ વાગ્‍યે સુરેન્‍દ્રનગરમાં, બપોરે ૨ વાગ્‍યે જંબુસર અને ૪ વાગ્‍યે નવસારીમાં જનસભા સંબોધશે

૨૩ નવેમ્‍બર, ૨૦૨૨ : મહેસાણા અને દાહોદમાં જનસભા, વડોદરા અને ભાવનગરમાં જનસભા

૨૪ નવેમ્‍બર, ૨૦૨૨:  બનાસકાંઠાના પાલનપુરમાં જનસભા, ગાંધીનગરના દહેગામમાં જનસભા, ખેડાના માતરમાં જનસભા અને અમદાવાદમાં જંગી જનસભા.

(10:14 am IST)