Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

૨૫૦૦૦ થી વધારે NRI કરશે ચૂંટણી પ્રચાર

અમુક લોકો તો ગુજરાતમાં આવી પણ ગયા : કેનેડા, અમેરીકા અને ઓસ્‍ટ્રેલીયાથી વધુ ૨૫૦૦૦ લોકો આવવાની આશા

નવી દિલ્‍હી, તા.૧૯: ગુજરાતની ચૂંટણીમાં ભાગ લેવા અને પોતાને ગમતી પાર્ટીના પ્રચાર માટે ૨૫૦૦૦ થી વધારે એનઆરઆઇ ભારતમાં આવી રહ્યા છે. પ્રવાસન ઉદ્યોગના સુત્રોએ કહ્યું કે વિદેશમાં ભારતની ચૂંટણીઓ બહુ જાણીતી હોવાથી એવો અંદાજ જ છે કે ૮૦૦ થી ૧૦૦૦ વધારે લોકો ઇલેકશન ટુરીઝમ માટે આવશે. આ ઉપરાંત શિયાળો આમ પણ એનઆરઆઇની સીઝન ગણાય છે.

અક્ષર ટ્રાવેલ્‍સના મનીષ શર્માએ કહ્યું, ‘ભારતની ચૂંટણીઓ એનઆરઆઇ અને એનઆરજીમાં બહુ પ્રખ્‍યાત છે એટલે ગુજરાતીઓ પોતાને ગમતા પક્ષના પ્રચાર માટે મોટી સંખ્‍યામાં આવી રહ્યા છે. અમારી માહિતી અનુસાર, લગભગ ૨૦૦૦ થી વધારે એનઆરઆઇ ગુજરાતમાં આવી ગયાછે, અને એવું લાગે છે કે આગામી દિવસોમાં આ આંકડો ૨૫૦૦૦ થી વધી જશે. કેનેડા, અમેરિકા અને ઓસ્‍ટ્રેલીયાથી કોરોના પછી ચૂંટણીમાં ભાગ લેવા એનઆરઆઇ આવી રહ્યા છે.

અમેરિકાના એટલાન્‍ટામાં સ્‍થાયી થયેલ મહેસાણાના ડોકટર વાસુદેવ પટેલે કહ્યું, ‘હું ૧૯૯૫ થી ભારતમાં મતદાન માટે આવુ છું અને ચૂંટણી પ્રચારમાં ભાગ લઉ છું. અમેરિકામાં રહેતા ઘણા ગુજરાતીઓ ચૂંટણી દરમ્‍યાન ચોક્કસ અહીં આવશે.'

અમેરિકામાં રહેતા ૨૦ લાખ ભારતીયોમાં ૫૦ ટકા ગુજરાાતી છે. તેમાંથી ઘણા પાસે ભારતીય નાગરિકતા હજુ પણ છે. આ લોકો લોકશાહીની ઉજવણી, મતદાન અને પ્રચાર કરવા માટે ભારત આવે છે. ગુજરાત ભાજપાના આંતરરાષ્‍ટ્રીય સંબંધ વિભાગના કન્‍વીનર દિગંત સોમપુરાએ કહ્યું કે આપની એન્‍ટ્રીના કારણે ચંટણીઓ રસપ્રદ બની છે. ભાજપા સમર્થક એનઆરઆઇઓએ રાજયમાં આપને રોકવા એક કેમ્‍પેઇન લોન્‍ચ કર્યુ છે. ૫૦ થી વધારે લોકો જેમાં મોટા ભાગના અમેરિકાના છે, ગુજરાતમાં પહોંચી ગયા છે અને રાજયના વિવિધ ભાગોમાં પ્રચાર માટે ફેલાઇ ગયા છે.

(11:46 am IST)