Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ટ્‍વિટર અપ્રિય ભાષણ અથવા નકારાત્‍મક સામગ્રી ધરાવતી ટ્‍વીટનો પ્રચાર કરશે નહીં: એલન મસ્‍કે નવી પોલિસી જાહેર કરી

ટ્‍વિટરના બોસ બન્‍યા બાદ મસ્‍ક દ્વારા પ્‍લેટફોર્મને નવા રૂપ આપવા પ્રયાસ

નવી દિલ્‍હીઃ ટ્‍વિટરના બોસ બન્‍યા બાદ એલન મસ્‍ક સતત નવા-નવા ફેરફાર કરી રહ્યા છે.

હાલ ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે. દિનપ્રતિદિન નવી નવી ટેકનોલોજીની શોધ થઈ રહી છે. ત્યારે આ આધુનિક યુગમાં અભિવ્યક્તિની રીતભાત પણ બદલાઈ ગઈ છે. એવામાં સોશિયલ મીડિયા હાલ દુનિયાભરમાં અભિવ્યક્તિનું સૌથી પાવરફૂલ માધ્યમ બની ગયું છે. જેનો કોઈ જ પર્યાય નથી. અને હવે લાંબા સમય સુધી સોશિયલ મીડિયા જ આ મામલામાં અવ્વલ રહેશે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયાના માધ્યમો ઉપલબ્ધ છે. પણ જો હાલના સમયમાં સૌથી પાવરફૂલ માધ્યમની વાત કરીએ તો એ છે ટ્વીટર. ત્યારે ટ્વીટર હવે તેની પોલીસીમાં કરી રહ્યું છે બદલાવ. ટ્વીટરના માલિક એલોન મસ્કે કરી ટ્વીટરની નવી પોલિસીની જાહેરાત.

એલોન મસ્કએ શુક્રવારે નવી ટ્વિટર પોલિસીની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ટ્વિટરની નવી નીતિ અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે, પરંતુ રિચની સ્વતંત્રતા નથી. તેમણે કહ્યું કે ટ્વિટર અપ્રિય ભાષણ અથવા નકારાત્મક સામગ્રી ધરાવતી ટ્વીટનો પ્રચાર કરશે નહીં. મસ્કે ટ્વિટ કર્યું, ‘નવી ટ્વિટર પોલિસીમાં બોલવાની સ્વતંત્રતા છે, પરંતુ પહોંચની સ્વતંત્રતા નથી. નેગેટિવ ટ્વીટને ડિમોનેટાઇઝ કરવામાં આવશે. તેનાથી ટ્વિટર પર કોઈ જાહેરાત અથવા અન્ય આવક થશે નહીં. આ સાથે ટ્વિટરે અમેરિકન કોમેડિયન કેથી ગ્રિફીન અને પ્રોફેસર જોર્ડન પીટરસનના એકાઉન્ટ રિસ્ટોર કર્યા છે. મસ્કે કહ્યું કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ખાતું હજુ સુધી રિસ્ટોર કરવામાં આવ્યું નથી. મસ્કે પોતે ટ્વીટ કરીને આની જાણકારી આપી હતી.

ટ્વિટરના બોસ બન્યા બાદ મસ્ક પ્લેટફોર્મને નવું રૂપ આપવામાં માટે પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ ટેસ્લાના સીઈઓ મસ્કે આક્ષેપ કર્યો હતો કે, ટ્વિટર તેના પ્લેટફોર્મ પર સ્પામ અને નકલી બોટ એકાઉન્ટ્સની સંખ્યાને ખોટી રીતે રજૂ કરે છે અને આમ કરીને પરસ્પર ખરીદી કરારનું ઉલ્લંઘન કરે છે. નોંધનીય છે કે, ટ્વિટર ખરીદ્યા પછી મસ્કે બ્લુ ટિક માટે ફી નક્કી કરી હતી, પરંતુ તેના કારણે ફેક એકાઉન્ટ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. જેના કારણે મસ્કે તે નિર્ણય રદ કર્યો અને કહ્યું કે તે ટૂંક સમયમાં ટ્વિટરની નવી પોલિસીની જાહેરાત કરશે.

(4:36 pm IST)