Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

રામ રહિમના ઓનલાઈન સત્સંગમાં બાળકો જોડાયા

ડેરા સચ્ચા સોદા પ્રમુખ ૪૦ દિવસના પેરોલ પર છે : એક લોનમાં આયોજિત સત્સંગ ઉપસ્થિત બે હજારથી વધુ લોકોની સામે વિશાળ સ્ક્રીન પર રજૂ કરવામાં આવ્યો

શાહજહાંપુર, તા.૧૯ : ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહીમ હાલમાં ૪૦ દિવસના પેરોલ પર જેલની બહાર છે. તે ઉત્તર પ્રદેશના બાગપતમાં બરનામા આશ્રમમાં ધામા નાખ્યા છે. ત્યાં તે પોતાનું સત્સંગ વગેરેનું કામ કરી રહ્યો છે. આ દરમિયાન ઓનલાઈન સત્સંગ સાથે સબંધિત એક મામલો વિવાદમાં આવ્યો છે. શાહજહાંપુરમાં બીએસએ ગુરમીત રામ રહીમના ઓનલાઈન સત્સંગમાં ભાગ લેનારા સ્કૂલ યુનિફોર્મમાં ૩૦૦થી વધુ બાળકો અને તેમના શિક્ષકોની વીડિયો ક્લિપ જોઈ. ત્યારબાદ તેમણે તપાસના આદેશ આપ્યા છે.

ગત ગુરુવારે શાહજહાંપુર જિલ્લાના રોજા પોલીસ સ્ટેશન વિસ્તારના એક લોનમાં આયોજિત સત્સંગ ઉપસ્થિત બે હજારથી વધુ લોકોની સામે વિશાળ સ્ક્રીન પર રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આ સત્સંગ બતાવવા માટે ફરુખાબાદ અને લખીમપુર ખેરી સહિતના પડોશી જિલ્લાઓમાંથી લોકોને બસમાં લાવવામાં આવ્યા હતા. બધા જ લોનમાં બેસીને સત્સંગ જોઈ રહ્યા હતા. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે, એક શાળાના ૩૦૦થી વધુ બાળકો અને શિક્ષકો પણ સત્સંગમાં ભાગ લેવા આવ્યા હતા.

બીજી તરફ બીએસએ સુરેન્દ્ર કુમાર રાવતે આ મામલે કહ્યું કે, મને આ વાતની જાણકારી ન હતી કે, સ્કૂલના બાળકોને ઓનલાઈન સત્સંગમાં સામેલ કરવામાં આવે છે. મેં બ્લોક એજ્યુકેશન ઓફિસરને તે શાળાની ઓળખ કરવા કહ્યું છે કે, જેણે તેના બાળકોને ત્યાં મોકલ્યા છે અને વહેલી તકે આ બાબતે રિપોર્ટ પ્રદાન કરે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ડેરા સચ્ચા સૌદા ચીફ ગુરમીત રામ રહીમ સિરસા સ્થિત પોતાના આશ્રમમાં બે મહિલા અનુયાયીઓ પર દુષ્કર્મ કરવાના આરોપમાં ૨૦ વર્ષની જેલની સજા કાપી રહ્યો છે.

ઓગસ્ટ ૨૦૧૭માં હરિયાણાના પંચકુલામાં સીબીઆઈની વિશેષ અદાલતે તેને રેપના કેસમાં દોષિત ઠેરવ્યો હતો. એટલું જ નહીં રામ રહીમને ડેરાના પૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યાના કેસમાં પણ આજીવન કેદની સજા થઈ છે. જો કે તે સમયાંતરે પેરોલ પર જેલમાંથી બહાર આવતો રહે છે.

(7:22 pm IST)