Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

કેન્દ્રીય બજેટ પહેલા ૩૦ જાન્યુ.એ યોજાશે સર્વદલીય બેઠક

પીએમ મોદી કરશે અધ્યક્ષતા : ૧ ફેબ્રુ. બજેટ રજુ થશે

નવી દિલ્હી તા. ૨૦ : બજેટ પહેલા ૩૦ જાન્યુઆરીના રોજ એક સર્વદલીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. સંસદના બજેટ સત્ર પહેલા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના નાણા મંત્રી દ્વારા ૧ ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવશે

દેશમાં કોરોનાકાળ દરમિયાન સંસદમાં બજેટ સત્રનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ૧ ફેબ્રુઆરીના રોજ નાણા મંત્રી દ્વારા સંસદમાં બજેટ રજૂ કરવામાં આવશે. જો કે તે અગાઉ કોરોના વાયરસને લઇને આ સર્વદળીય બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે.

આગામી ૩૦ જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક સર્વદલીય બેઠક બોલાવામાં આવી છે. સંસદના બજેટ સત્ર પહેલાની આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે.

જો કે તે સિવાય NDA એટલે કે નેશનલ ડેમોક્રેટિક અલયાન્સની પણ ૩૦ જાન્યુઆરીના રોજ બેઠક મળશે. NDAની બેઠક પણ ૩૦ જાન્યુઆરીના રોજ બજેટ સત્ર પહેલા આયોજિત કરવામાં આવશે. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી સહિત બીજી પાર્ટીઓના નેતાઓ સામેલ થશે.

લોકસભા સચિવાલયના નિવેદન અનુસાર બે ભાગમાં ચાલનાર બજેટ સત્ર ૮ એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્રનો પહેલો તબક્કો ૨૯ જાન્યુઆરીથી શરુ થશે અને ૧૫ ફેબ્રુઆરી સુધી ચાલશે જયારે બીજો તબક્કો ૮ માર્ચથી ૮ એપ્રિલ સુધી ચાલશે. કેન્દ્રીય બજેટ ૧ ફેબ્રુઆરીના રોજ ૧૧ વાગે રજૂ કરવામાં આવશે.

ગત મોનસુન સત્ર મુજબ આ વખતે પણ સંસદના બંને સદનોની બેઠક અલગ-અલગ પાળીઓમાં ચાલશે. જેમાં રાજયસભા બપોર સુદી જયારે લોકસભાની બેઠક સાંજે ૪ વાગ્યાથી ૯ વાગ્યા સુધી હશે. કોવિડ-૧૯ને ધ્યાનમાં લઇને આરોગ્યના ઉપાયો માટે કડક પગલા લેવામાં આવ્યા છે.

(3:47 pm IST)